Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના બાદ નવા સાજ શણગાર સાથે સજ્જ ગિરિમથક સાપુતારા ખાતે 'મેઘ મલ્હાર પર્વ' નો શાનદાર પ્રારંભ

  • August 01, 2022 

ભીના ભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનુ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે, સહ્યાદ્રિની આ ગિરિકન્દ્રાઓ કાશ્મીરની વાદીઓથી જરા પણ ઉતરતી ભાસતી નથી, તેમ સાપુતારાની સુંદરતાનુ વર્ણન કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂરણેશભાઈ મોદીએ 'મેઘ મલ્હાર પર્વ ૨૦૨૨' ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતુ. 


સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા સાથે, મેઘ મલ્હાર પર્વનુ સુભગ મિલન થતા અહીં સોનામા સુગંધ ભળી છે તેમ જણાવતા મંત્રીશ્રીએ, પ્રકૃતિ સાથે પ્રગતિનો સુમેળ સાધીને રાજય સરકારે સાપુતારા સહિત સહ્યાદ્રિની ગિરિમાળામા આવેલા દરેકે દરેક નૈસર્ગીક સ્થળોએ, પર્યટકોને માટે જરૂરી એવી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, તેમના અહીંના પ્રવાસને જીવનભરનુ સંભારણુ બનાવવાની તક પુરી પાડી છે તેમ ઉમેર્યું હતુ. 


જ્યા પ્રભુ શ્રી રામે ભ્રાતા લક્ષ્મણ સાથે વિચરણ કર્યું હોય, પાંડવોએ પણ અહીં આશ્રય લીધો હોય, અને મા શબરીએ પ્રભુ શ્રી રામની પ્રતિક્ષામા જ્યા આયખુ પૂરુ કર્યું હોય તેવી આ દંડકારણ્યની પાવન ભૂમિમા આજે આપણે, એક પૌરાણિક સંસ્કૃતિ, પ્રકૃતિ, અને પ્રગતિના ત્રિવેણી સંગમમા સ્નાન કરી રહ્યા છે તેમ જણાવતા મંત્રીશ્રીએ દેશની અને રાજ્યની સરકારે આવા પાવન સ્થળોના વિકાસ માટે કમર કસી છે તેમ જણાવ્યુ હતુ. 



ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાને અનોખી ઓળખ આપતા ગીરા અને ગિરમાળ વોટરફોલ, પંપા સરોવર અને શબરી ધામ, કળમ્બડુંગર અને ડોન, અંજનકુંડ અને પાંડવ ગુફા, માયાદેવી અને તુલશિયાગઢ, મહાલ-કિલાદ અને દેવીનામાળ જેવી ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ, બોટાનીકલ ગાર્ડન અને નેશનલ પાર્ક જેવા આકર્ષણો પ્રવાસીઓને ડાંગ તરફ આકર્ષી રહ્યા છે. ત્યારે અહીં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ સાથે, સ્થાનિક રોજગારી સર્જનને પણ રાજ્ય સરકારે નવી દિશા દેખાડી છે તેમ મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યું હતુ. 


રાજ્ય સરકાર દ્વારા હમણા જ થોડા સમય અગાઉ ગવર્નર હિલના વિકાસની કામગીરી પાછળ રૂપિયા છ કરોડ ઓગણીસ લાખનો ખર્ચ કરાયો હતો. જ્યારે આજે અહીં સાપુતારા લેકની આસપાસના વિકાસ કામો માટે કુલ રૂપિયા ચોવીસ કરોડનો ખર્ચ કરીને, પ્રવાસીઓની સુખ સુવિધામા વધારો કરવામા આવ્યો છે. એટલુ જ નહીં, સાપુતારાના સર્વાંગી વિકાસને ધ્યાને લેતા અહીં એક ડાંગ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનુ પણ વિચારાધીન છે તેમ જણાવતા મંત્રીશ્રીએ, રાજ્યના સૌથી હરિયાળા પ્રદેશ એવા ડાંગ જિલ્લાના ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો ધરાવતા પ્રવાસન સ્થળોને સાંકળી લઈને આગામી ત્રણ વર્ષમા, આ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવમા આવશે, તેમ કહ્યુ હતુ. 


છેલ્લા વિસ વર્ષોમા ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની નવી ઊંચાઈ સર કરી છે. ગુજરાતમા પ્રવાસીઓને રણ, સમુદ્ર, વન, તેમજ હીલ સ્ટેશન જેવા પ્રવાસન આકર્ષણ સહિત પવિત્ર યાત્રાધામો પણ જોવા મળે છે. જેના લીધે દેશ-વિદેશથી ગુજરાતમા આવતા પ્રવાસીઓની સંખ્યામા ઉત્તરોત્તર વધારો નોંધાયો છે.રાજ્ય સરકાર પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. આ વર્ષના બજેટમા પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે રૂ.૪૬૫ કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામા આવી છે, તેમ જણાવતા શ્રી મોદીએ આદિજાતી સમાજના નાગરિકો માટે મા શબરીની સ્મૃતિમા ‘શ્રી રામ જન્મભૂમિ શબરી સ્મૃતિ યાત્રા’ માટે રૂપિયા એક કરોડની જોગવાઈ પણ કરી છે, તેમ દોહરાવ્યુ હતુ. 



રાજ્ય સરકારે પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપતા વિકાસનની નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમા પ્રવાસીઓની સંખ્યામા ઉત્તરોત્તર વધરો થતો રહ્યો છે. વર્ષ ૨૦૧૫ મા પ્રથમવાર ટુરિઝમ પોલીસી રજુ કરવામા આવી હતી. પરિણામે પ્રવાસન ક્ષેત્રે વિશાળ માત્રામા મૂડી રોકાણ પ્રાપ્ત થવાથી માળખાકીય સુવિધાઓનો સરળતાથી વિકાસ થયો છે.પ્રથમ પોલીસીની મુદત પૂર્ણ થતા, જાન્યુઆરી ૨૦૨૧મા નવી ટુરિઝમ પોલિસીની જાહેરાત પણ કરી દેવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધારવા માટે હોમસ્ટે યોજનામા પ્રસ્તાવિત સુધારાઓ પણ કર્યાં છે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ભારત-પાકિસ્તાન સરહદ સીમાદર્શન-નડાબેટ, જૂનાગઢ ઉપરકોટ, ડાઈનાસોર મ્યુઝિયમ-રૈયોલી, આંબરડી સફારી પાર્ક-સાસણગીર પ્રોજેક્ટ, સાપુતારા પ્રોજેક્ટ, બૌદ્ધ સરકિટ સહિત વિવિધ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામા આવી રહ્યો છે. 




ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન મેળાઓ અને ઉત્સવોનુ પણ ખુબ જ સુંદર આયોજન કરવામા આવે છે. જેમા દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. સાપુતારાના મેઘ મલ્હાર પર્વને માણવા પણ દુનિયાના ૨૯ દેશોના પર્યટકો પધાર્યા છે.પ્રવાસીઓની સંખ્યામા વધારો થવાને લીધે ગ્રામીણ સ્તરે રોજગારીમા પણ વધારો થયો છે. આદિવાસી સમાજના નાગરિકો અને મહિલાઓને રોજગારી પ્રાપ્ત થતા તેઓ આર્થિક રીતે પગભર બનતા, તેમના જીવનધોરણના સ્તરમા પણ સુધારો થયો છે. 


કોવિડ-૧૯ને કારણે પ્રવાસન ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે. પરંતુ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાઓ લીધા છે. આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસન વિકાસના દ્રષ્ટિકોણને, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એટલા જ ઉત્સાહથી આગળ ધપાવી રહ્યા છે. વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ પ્રત્યેનો તેમનો સકારાત્મક અભિગમ અને વ્યક્તિગત રસ આ બાબતનુ પ્રમાણ છે. સુરક્ષિત અને સલામત યાત્રા ગુજરાતની વિશેષ ઓળખ છે. પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને આનંદનુ ધ્યાન ગુજરાત રાખે છે, જેને કારણે પ્રવાસીઓની પહેલી પસંદ ગુજરાત બન્યુ છે. રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે દેશ-વિદેશનના પ્રવાસીઓની પહેલી પસંદ ગુજરાત બન્યું છે. ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે અગ્ર હરોળમા સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application