સુરતનાં પનાસ સ્થિત કપાસ સંશોધન કેન્દ્ર ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના ઈ.કુલપતિ અને સંશોધન નિયામક ડો.ટી.આર. અહલાવતની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦ર૩-૨૪માં રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના કપાસ સંશોધનનો તાંત્રિક કાર્યક્રમ ઘડવા માટેની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યનાં ૧૩ કપાસ સંશોધન કેન્દ્રોના વડાઓ, વૈજ્ઞાનિકો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં કપાસ સંશોધન કેન્દ્રના વડાઓએ પોતાના કેન્દ્ર પર થતી સંશોધન પ્રવૃત્તિઓ અને બીજ ઉત્પાદન કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. ડો.એમ.સી. પટેલે ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતી સંશોધન પ્રવૃત્તિઓ, પ્રાપ્ત સિદ્ધિઓ અને ભાવિ આયોજન બાબતે વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો.
કુલપતિ ડો.ટી.આર. અહલાવતે રાજ્યમાં થયેલા સંશોધન પ્રવૃત્તિના ફળ સ્વરૂપે પ્રાપ્ત સિદ્ધિઓ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. દુનિયાના કપાસ પકવતાં અગ્રગણ્ય દેશો જેવાં કે બ્રાઝિલ, ચીન, આર્જેન્ટીના જેવા દેશોની ઉત્પાદકતા સાથે હરિફાઈ કરી શકાય તે માટે કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તા સુધારવા માટે ભાર મૂકી તે દિશામાં સંશોધન કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો. ગુજરાતના કપાસ ઉગાડતાં ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાને રાખી બેઠકના ટેકનિકલ સેશનમાં આગામી ખરીફ-૨૦૨૩ સિઝનમાં લેવાનાર કપાસ પાક પર વિવિધ ડિસીપ્લીનના અખતરાઓ અને બીજ ઉત્પાદન બાબતે વિગતે ચર્ચા કરી ટેકનિકલ કાર્યક્રમ નિયત કરાયો હતો. બેઠકના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના કર્મચારીઓએ ઉમદા યોગદાન આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500