લોકશાહીનાં ચૂંટણી પર્વ નિમિત્તે મતદાનનાં અધિકારનો ટેક્સટાઇલ કર્મચારીઓ ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક કર્મચારીઓને આ મતદાનનાં દિવસે રજા પાડવા ટેક્સટાઇલ એમ્બ્રોઈડરી જોબ વર્ક એસો.એ કારખાનેદારોને અપીલ કરી છે. મતદાન અધિકારનો ઉપયોગ કરી આ દિવસે અચૂક મતદાન કરીએ એવી અપીલ સુરત ડાયમંડ એસોસિએશન એ કરી છે અને સૌ રત્નકલાકાર ભાઈ-બહેનો અને કર્મચારીઓ મતદાન કરી શકે તે હેતુથી દરેક કારખાનેદારોને રજા પાડવા અનુરોધ કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં તા.1 ડિસેમ્બરનાં રોજ મતદાન હોઇ, સુરતની જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ કારખાનેદારો, રત્ન કલાકારો અને દલાલ મિત્રોને પોતાના મતદાનનો ઉપયોગ કરી 100 ટકા મતદાનને શક્ય બનાવે એવી અપીલ જીજેઇપીસી રિજીયોનલ ચેરમેન વિજય માંગુકિયા અને કમિટી મેમ્બર દિનેશ નાવડીયાએ કરી છે.
જયારે વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલાં કારીગરો મોટેભાગના પરપ્રાંતીય છે. આમાંના 20-25 ટકા કારીગરો મતદાનનાં અધિકાર ધરાવે છે. કારીગરો મતદાન કરી શકે તે માટેની છૂટછાટ કારખાનેદારો આપશે. જોકે વિવિંગ ઉદ્યોગમાં સ્વૈચ્છિક બંધ જેવી હાલત રહેશે. ગુજરાત વિધાનસભા ચુંટણી અનુસંધાને આજરોજ સુરત શહેરનાં તમામ કપડા બજાર સંપૂર્ણપણે બંધ રહેશે. માર્કેટ એસો.એ તમામ વેપારીઓ, કર્મચારીઓ, સ્ટાફ તથા મજદૂરભાઈઓને મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબૂત કરવાની અપીલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500