પાકિસ્તાનની પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ૧૬મો ક્રમ મેળવીને મનિષા રૂપેતાએ ઈતિહાસ રચ્યો છે. મનિષા રૂપેતા પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુમહિલા ડીએસપી બની છે. સિંધ પ્રાંતની ૨૬ વર્ષની મનિષાએ પાકિસ્તાનમાં અનોખી સિદ્ધિ મેળવી છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા જેકોબાબાદની ૨૬ વર્ષની હિન્દુ યુવતી મનિષા રૂપેતાએ પાકિસ્તાનની પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને ઈતિહાસ રચ્યો છે. મનિષાએ ૧૫૨ સફળ ઉમેદવારોના લિસ્ટમાં ૧૬મું સ્થાન મેળવ્યું છે.
મનિષા રૂપેતાને ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પુલીસ (ડીએસપી)ની નિમણૂક મળી છે. મનિષાએ કહ્યું હતું કે,પુરૃષપ્રધાન દેશ પાકિસ્તાનમાં મહિલાઓના વિકાસ અને રક્ષણ માટે કામ કરવાની ઈચ્છા છે. મહિલાઓને પ્રેરિત કરીને દરેક ક્ષેત્રમાં મહિલા આગળ વધી શકે છે એવું ઉદાહરણ સેટ કરવું છે.
મનિષાએ કહ્યું હતું કે,તેના સગા-સંબંધીઓ કહેતા હતા કે આવા ક્ષેત્રમાં પસંદગી થવાનું કામ કપરું છે, એના બદલે શિક્ષક કે ડોક્ટર બની જવું સારું. ખાસ તો મહિલાઓએ જો કામ કરવું હોય તો શિક્ષક કે ડોક્ટર બનવું જોઈએ. એવા વાતાવરણમાંથી મનિષાએ પોલીસ અધિકારી બનીને નવો ચીલો પાડયો છે. લોકોની ધારણાં ખોટી પાડી છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી મનિષાએ કહ્યું હતું કે પાકિસ્તાન જેવા દેશમાં, જ્યાં મહિલાઓની સ્થિતિ દયનીય ગણવામાં આવે છે - ત્યાં મહિલાઓને અધિકાર મળે, મહિલાઓને ન્યાય મળે એ માટે કામ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500