Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિપુરનાં મુખ્યમંત્રી એન.બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

  • February 10, 2025 

મણિપુરમાં કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે વંશીય હિંસાના બે વર્ષે આખરે મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રવિવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિપક્ષ લાંબા સમયથી તેમના રાજીનામાની માગ કરી રહ્યું હતું. એવામાં કોંગ્રેસે સોમવારે વિધાનસત્રા સત્ર શરૂ થવાની સાથે બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી કરી હતી. બીજીબાજુ પક્ષની અંદર પણ તેમના વિરુદ્ધ અસંતોષ વધી રહ્યો હતો. એન. બિરેન સિંહે રવિવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પછી સાંજે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યમાં બધી જ સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યા છે.


મણિપુરમાં મુખ્યમંત્રી નોંગથોમ્બમ બિરેન સિંહ વિરુદ્ધ રાજ્ય એકમમાં અસંતોષ વધી રહ્યો હતો. એવામાં કોંગ્રેસે સોમવારે એન. બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી હતી. મણિપુરમાં મે ૨૦૨૩માં વંશીય હિંસા શરૂ થયા પછી કોંગ્રેસે પહેલી વખત ભાજપ સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી કરી હતી. કોનરાડ સંગ્માની નેશનલ પીપલ્સ પાર્ટીએ સમર્થન પાછું ખેંચી લીધા છતાં ભાજપ પાસે સત્તા ટકાવી રાખવા માટે પર્યાપ્ત સંખ્યાબળ છે, પરંતુ રાજ્યમાં લાંબા સમયથી નેતૃત્વ પરીવર્તનની માગ કરતા ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ વખતે ફ્લોર ટેસ્ટમાં પક્ષના વ્હિપની પણ અવગણના કરે તેવી સંભાવનાઓ વધુ હતી.


મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ સંભાવનાઓ ટાળવા માટે શનિવારે પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. ત્યાર પછી તેમણે રવિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીપદ છોડવાનો નિર્ણય લીધો હતો. એન. બિરેન સિંહે રવિવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી. ભાજપના સાંસદ અને પૂર્વોત્તરના પ્રભારી સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે બિરેન સિંહ સાંજે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. મણિપુરમાં ભાજપના જ ૧૯ ધારાસભ્યોએ ગયા વર્ષે ઑક્ટોબરમાં એન. બિરેન સિંહને મુખ્યમંત્રીપદેથી હટાવવાની માગણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.


આ પત્ર પર હસ્તાક્ષર કરનારામાં વિધાનસભા અધ્યક્ષ થોકચોમ સત્યવ્રત સિંહ, મંત્રી થોંગમ વિશ્વજિત સિંહ અને યુમનામ ખેમચંદ સિંહનો સમાવેશ થાય છે. પત્રમાં જણાવાયું હતું કે, મણિપુરના લોકો ભાજપ સરકારને સવાલ કરી રહ્યા છે કે રાજ્યમાં દોઢ વર્ષે પણ શાંતિ કેમ સ્થાપિત થઈ શકી નથી. વહેલી તકે આ સમસ્યાનું સમાધાન નહીં લાવવામાં આવે તો ધારાસભ્યો પાસે રાજીનામું આપવાની માગ કરાઈ રહી છે. મણિપુરમાં બે વર્ષ પહેલાં મૈતેઈ અને કુકી સમાજો વચ્ચે હિંસા ફાટી નીકળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે, બિરેન સિંહે સીએમપદેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મણિપુરમાં બે વર્ષથી હિંસાના કારણે શાંત વાતાવરણ એક ગંભીર મુદ્દો બની ગયો છે. રાજ્યમાં મૈતેઈ અને કુકી સમાજો વચ્ચે તણાવ વધતા અનેક વખત હિંસક અથડામણો થઈ હતી, જેમાં ૨૫૦થી વધુ લોકોનાં મોત થયા હતા. પોલીસના શસ્ત્રાગારમાંથી ૫,૬૦૦થી વધુ હથિયારો અને ૬.૫ લાખ ગોળીઓની લૂંટ થઈ હતી. ૬૦,૦૦૦થી વધુ લોકોએ પોતાના ઘરબાર ગુમાવ્યા હતા અને તેમણે રેફ્યુજી કેમ્પમાં રહેવાની ફરજ પડી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application