કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ સ્થિત આશ્રમશાળા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને દેશવ્યાપી ‘સામાજિક અધિકારિતા શિબિર’ના ભાગરૂપે સાધનસહાય વિતરણ શિબિર યોજાઈ હતી. જેમાં ૬૯ દિવ્યાંગજનોને એડિપ યોજના હેઠળ ૧૨૪ સહાય સાધનોનું નિશુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં સામાજિક, ન્યાય અને અધિકારિતા કેન્દ્રીય મંત્રીશ્રી ડો.વિરેન્દ્ર કુમાર વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં દિવ્યાંગોજનોને વિનામુલ્યે ટ્રાઇસિકલ, ફોલ્ડીંગ વ્હીલચેર, બૈશાખી, વોકીંગ સ્ટીક, બ્રેલ કીટ, બીટીપી સાંભળવાનું મશીન, બ્રેલ ક્રેન, રોલેટર, MSIED કીટ, વોકીંગ સ્ટીક, બ્રેઈલ કિટ્સ, કૃત્રિમ અંગો અને કેલિપર્સનું સાંસદશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓએ સામાન્યજનના જીવનમાં સુખસમૃદ્ધિનો સંચાર કર્યો છે. સાથોસાથ દિવ્યાંગજનો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી સશક્ત બની રહ્યા છે. તેઓ પગભર બની આત્મસન્માનથી જીવન જીવી શકે તેવો સરકારનો અભિગમ છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા શિષ્યવૃત્તિ સહાય યોજના અમલમાં મુકી છે, જેનો બહોળો લાભ દિવ્યાંગો લઈ રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, દિવ્યાંગોને કુદરતે અનેક પ્રકારની આગવી સુષુપ્ત શક્તિ આપી હોય છે, તેનો મકકમતાથી ઉપયોગ કરીને જીવનને ઉજ્જ્જળ કરી શકાય છે. દિવ્યાંગજનો આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500