સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી એક આશ્રમશાળામાં ફરજ બજાવતા 52 વર્ષના પ્રિન્સિપાલની કાળી કરતૂત સામે આવી છે. તેણે આશ્રમમાં રહેતી અને ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી 15થી 20 વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરતા ચકચાર મચી છે. આદિજાતિ આશ્રમશાળા અધિકારીએ પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રિન્સિપાલની ધરપકડ કરી છે. માંડવીથી કીમ જતા રોડ ઉપર આવેલી એક આશ્રમશાળામાં પ્રિન્સિપાલ તરીકે યોગેશ નાથુભાઈ પટેલ ફરજ બજાવે છે. યોગેશ પટેલ આશ્રમશાળામાં વર્ષ 2003માં શિક્ષક તરીકે જોડાયો હતો.
વર્ષ 2013થી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. યોગેશ પટેલ કેટલાક સમયથી આશ્રમશાળામાં રહીને ધો.7 અને 8માં અભ્યાસ કરતી 14થી 15 વર્ષની વિદ્યાર્થિનીઓ સાથે અવારનવાર શારીરિક અડપલા કરી છેડતી કરતો હતો. જે અંગે વિદ્યાર્થિનીઓએ શરૂઆતમાં ગૃહમાતાને જાણ કરી હતી. બાદમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીને દવાના બહાને શારીરિક અડપલા કરી છેડતી કરતા વિદ્યાર્થિનીએ પોતાના વાલી તેમજ ગૃહમાતાને જાણ કરી હતી. પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતી કરવા અંગે આદિજાતિ આશ્રમશાળા અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી.
આદિજાતિ આશ્રમશાળા અધિકારીએ ભોગ બનનાર ચારથી 5 વિદ્યાર્થિનીઓની પૂછપરછ કર્યા બાદ માંડવી પોલીસને જાણ કરી હતી. માંડવી પી.આઈ., જે.જી. મોડે સ્ટાફ સાથે આશ્રમશાળા પર જઈ અધિકારીની ફરિયાદ પ્રિન્સિપાલ યોગેશ પટેલ સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે ભોગ બનનારી તમામ વિદ્યાર્થિનીઓના નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરી છે. માંડવી તાલુકાની આશ્રમ શાળામાં પ્રિન્સિપાલ યોગેશ પટેલ એકલો રહેતો હતો. યોગેશ પટેલ પોતાના રૂમમાં વિદ્યાર્થિનીઓની અલગ અલગ ટીમ બનાવી પોતાના કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને શરબત બનાવવા બોલાવતો હતો. કેટલીક વિદ્યાર્થિનીઓને મોકલી આપી એકાદ વિદ્યાર્થિનીને રૂમમાં રહેવા દઈ અડપલા કરતો હતો. વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવીને આશ્રમશાળા અધિકારી તથા ગૃહમાતાને જાણ કરતાં તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરતાં પ્રિન્સીપાલની કરતૂતોનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનિય છે કે, આજ આશ્રમશાળામાં 23 વર્ષ અગાઉ પણ પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાનો ગુનો નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500