Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમગ્ર દેશમાં સિટિઝન સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરનાર માંડવી ‘ડ’ વર્ગની પ્રથમ નગરપાલિકા

  • December 18, 2020 

સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી નગરપાલિકાના નવનિર્મિત 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિયમ'નું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે 'સિટિઝન સ્માર્ટ કાર્ડ' યોજનાનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.

 

 

સમગ્ર દેશમાં સિટિઝન સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરનાર માંડવી ‘ડ’ વર્ગની પ્રથમ નગરપાલિકાની સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, ડિજિટલ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ભ્રષ્ટાચાર મુક્ત, ઝડપી અને પારદર્શક વ્યવસ્થા ઉભી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ડિસેમ્બરના અંત સુધીમાં ૮૦૦૦ ગામોમાં કુલ ૫૧ સેવાઓ ઈ-સેવા સેતુના માધ્યમથી ઉપલબ્ધ કરાશે, જે પૈકી હાલમાં ૩૫ સેવાઓ કાર્યરત હોવાનું જણાવતાં તેમણે નાના ગામડા અને શહેરોને ડિજિટલ માધ્યમથી જોડવામાં આવશે એમ ઉમેર્યું હતું.

 

 

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,પંડિત દીનદયાળજીની અંત્યોદયની ભાવના, માનવ સુખાકારીની કલ્પના, ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્રને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, ત્યારે માંડવી નગરપાલિકાનું પંડિત દીનદયાળજીનું નામાભિધાન કરાયું એ બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રહિત, સમાજ કલ્યાણની ભાવના અપનાવીને પંડિત દીનદયાળજીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એમ જણાવ્યું હતું.   

 

 

ગાંધીજી અને સરદારના ગુજરાતમાં સૌ કોઈને સુરક્ષા અને સલામતીનો અનુભવ થાય તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે, ત્યારે રાજ્ય સરકારે ભૂમાફિયા સામે કડક કાર્યવાહી માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરૂ કર્યો છે. આ એક્ટ હેઠળ ૧૦થી ૧૪ વર્ષ સજાની જોગવાઇ કરાઈ છે. વિકાસશીલ ગુજરાતની સાથે ‘સુરક્ષિત અને સલામત ગુજરાત’એ રાજ્ય સરકારની નેમ હોવાનું

 

 

 

જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં નવીન ODPS અંતર્ગત બાંધકામના નકશા પ્લાનની મંજૂરી હવે ગણતરીના કલાકોમાં ઉપલબ્ધ છે. ગુજરાતના શહેરો- ગામડાં રહેવા અને માણવાલાયક બને તેમજ હેપ્પીનેસ ઇન્ડેક્ષમાં વધારો થાય તે જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

 

 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, માંડવી નગરપાલિકાની સ્માર્ટ સિટીઝન યોજના દેશ તેમજ અન્ય નગરપાલિકા માટે પ્રેરણારૂપ બનશે. માંડવી નગરના ૭૦૦૦ પરિવારોને ડિજિટલ લોકરની સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન બહુઉદ્દેશીય પગલું છે, જે ભવિષ્યમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ખૂબ મદદરૂપ થશે. આ યોજના રાજ્યને પણ ગૌરવ અપાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

 

 

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અસરકારક પગલાં લઈને રાજ્યના નાગરિકોને સુરક્ષિત-સલામત રાખવામાં તેમજ સંક્રમણ અટકાવવામાં રાજ્ય સરકાર સફળ થઇ છે, જેનો સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યક્ષમ નેતૃત્વને જાય છે. નગરપાલિકાનું નવું વહીવટી સંકુલ પ્રજાભિમુખ વહીવટનું પ્રતિક બનશે સાથે સિટીઝન સ્માર્ટ કાર્ડ યોજનામાં વિવિધ કાગળો અને પુરાવાઓ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે એમ જણાવી દેશભરમાં સૌપ્રથમ ડિજીટલ પહેલ કરવા બદલ તેમણે પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવી માંડવી નગર અને તાલુકો વિકાસયાત્રાને અવિરતપણે જાળવી રાખે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

 

 

શ્રી વસાવાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ વેળાએ સાંસદ પ્રભુભાઈ અને કલેક્ટરશ્રી ડો.ધવલ પટેલના હસ્તે નગરના બે સિનિયર સિટિઝન વાસુદેવ જોખાકર અને કાંતિલાલ સુખડિયાને પ્રતિકરૂપે સિટીઝન સ્માર્ટ કાર્ડ અર્પણ કરીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.માંડવીનો ઈતિહાસ વર્ણવતા પુસ્તકનો સાંસદશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા વિમોચન કરાયું હતું. માંડવી નગરપાલિકાના પ્રમુખ ડૉ. આશિષભાઈ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application