માંડવી તાલુકાનાં બલેઠી ગામની સીમમાં વહેર જતા રોડ પર બે બાઈક સામસામે અથડાતા બંનેના ચાલકોના મોત નિપજયાં હતા. જયારે એક મહિલા સહિત ત્રણને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં ઈસર ગામે રહેતો ભાવેશ ગુમાનભાઈ વસાવા (ઉ.વ.32)નાંઓ સોમવારે બપોરે ત્રણ વાગ્યે તેની પત્ની દિનાબેન સાથે ઉમરપાડા તાલુકાના સામપુરા ગામે પોતાની બાઈક નંબર GJ/26/D/6850 પર જઈ રહ્યા હતા.
તેમની સાથે અન્ય બાઈક પર તેના મામાનો પુત્ર સંદિપ રમેશ વસાવા અને તેની પત્ની શકુંતલાબેન પણ જઈ રહ્યા હતા તે સમયે બલેઠી ગામની સીમમાં વરાહ જતા રોડ પર ખાડીથી થોડે આગળ વળાંકમાં સામેથી પુરઝડપે આવતી બાઈક નંબર GJ/05/AS/2194નાં ચાલકે ભાવેશની બાઈક સાથે અથડાવી દેતા ભાવેશને માથામાં ગંભીર ઈજા થતાં તેનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે દિનાબેનને પણ જમણા હાથે અને પગે ફેકચર થયું હતું.
જયારે સામેની બાઈકનાં ચાલક કરણ નારસિંગ વસાવા (રહે.ઉમરઝડ, તા.ઉમરપાડા)ના ચાલકનું પણ ગંભીર ઈજાને કારણે મોત થયું હતું. જયારે તેની પાછળ સવાર સુમિત વસાવા અને રોશન વસાવાને ઈજા થતાં ઝંખવાવ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મૃતક કરણ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500