દસ વર્ષ પહેલાં સચીન પોલીસ મથકની હદમાં પાંચ વર્ષના બાળકને ચોકલેટ અપાવવાની લાલચ આપીને રૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી પોક્સો એક્ટનો ભંગ કરનાર મૂળ બિહારના વતની એવા 24 વર્ષીય આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ રાકેશ આર.ભટ્ટે ઈપીકો-377તથા પોક્સો એકટની કલમ -3,4ના ગુનામાં આજીવન કેદ,કુલ રૂ.40 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદ તથા ભોગ બનનારને 7 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, મૂળ બિહારના મુજફ્ફરપુર જિલ્લાના વતની તથા સિલાઈકામ કરી ગુજરાન ચલાવતા 24 વર્ષીય આરોપી ચંદનકુમાર ઉર્ફે ચતુન સુરેન્દર ઉર્ફે મહેન્દ્ર સહાની (રહે.પ્લોટ નં.170,સાંઈનાથ સોસાયટી,સુડા સેકટર-૨ વાંઝરોડ સચીન) વિરુધ્ધ ગઈ તા.26-1-2015 નારોજ ભોગ બનનાર પાંચ વર્ષીય બાળકની ફરિયાદી માતાએ સચીન પોલીસમથમાં ઈપીકો-377,504,પોક્સો એક્ટની કલમ-3,4ના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ ફરિયાદીના પાંચ વર્ષના બાળકને ગઈ તારીખ 24-1-15 નારોજ ચોકલેટ આપવાના બહાને લઈ પોતાના રૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતુ. જે અંગે ભોગ બનનારની માતાએ આરોપીને પુછતાં પોતાની ભુલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતુ.
જેથી ફરિયાદીએ આરોપીને મારા પતિને ફોન કરીને બોલાવું છું તેવું કહેતા ગાળો આપીને આરોપીએ ઝઘડો કર્યો હતો. આથી આ કેસમાં સચીન પોલીસે જેલભેગા કર્યા બાદ જામીન મુક્ત આરોપી નિયમિત કોર્ટમાં હાજર ન રહેતો વોરંટ ઈસ્યુ કરીને જેલ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ કેસની કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ આરોપી પાસેથી ઉછીના પૈસા લીધા હોઈ પરત માંગતા ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો. વધુમાં બનાવના બે દિવસ બાદ વિલંબિત ફરિયાદનો ખુલાશો ન કરવા,તબીબી પુરાવો રેકર્ડ પર ન આવવા તથા ભોગ બનનારે ગીચ વિસ્તાર હોવા છતાં બુમાબુમ ન કરી હોવાનો બચાવ લીધો હતો. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે કુલ 14 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
મેડીકલ ઓફીસરે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે, બાળક પર જેનાટાઈલ એસ્સોલ્ટ થયો છે. ઓળખ પરેડમાં ભોગ બનનારે આરોપીને ઓળખી બતાવ્યો છે.જેથી ફરિયાદપક્ષે ખોટો કેસ કર્યો હોવાના આરોપીના બચાવને કોર્ટે નકારી કાઢી આરોપી ચંદનકુમાર સહાનીને ઈપીકો-377, પોક્સો એકટની કલમ-4,5ના ભંગ બદલ દોષી ઠેરવી ઉપરોક્ત આજીવન કેદની સજા કુલ 40 હજાર દંડ તથા ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી સામે પાંચ વર્ષના બાળક પર જાતીય હુમલો કરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને અધમ કૃત્ય કર્યું છે.જેની અસર બાળમાનસ પર ખરાબ અસર છોડી જાય તેમ છે.હાલમાં આવા ગુનામાં વધારો થતો જાય છે.કોર્ટે આરોપીની સજામાં રહેમની ભીખને નકારી ગંભીર ગુનામાં હળવાશથી ન લઈ શકાય તેવું જણાવીને સમાજમાં દાખલો બેસાડવા આરોપીને મહત્તમ સજા કરવી ન્યાયના હિતમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500