ગાંધીનગરના ત્રિમંદિરના ગેટ પાસે પાર્ક કરેલી ભાડાની કારની બારીનો કાંચ ફોડી તસ્કરો તેમાંથી ચાલુ અને બંધ હાલતના મોબાઇલ, સોનાની તૂટેલી વિંટી અને ગોગલ્સ મળીને રૂપિયા ૧.૨૦ લાખની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. મળતે માહિતી મુજબ, અંબા ટાઉનશીપમાં સેક્ટર-૩ સી માં રહેતાં અને ત્યાં જ આવેલા બીઝનેશ પાર્કમાં ઇલેકટ્રોન્કિસ પાર્ટ્સનો વેપાર કરતાં રાહુલ મનહરભાઇ અમિન દ્વારા ઉપરોક્ત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તેમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત તારીખ ૧૬મીએ તેના માસા ભૂપેન્દ્રભાઇ, તેના દિકરા દિપ્તેશભાઇ તેના પત્ની હેતલબેન અને અમેરિકા રહેતી દિકરી ક્રિષ્ણાબેન ભાવેશભાઇ પટેલ મળવા આવ્યા હતાં. તેઓ ભાડાની કાર લઇને આવ્યા હતાં અને કાર ત્રિમંદિરના ગેટ પાસે રાખી હતી. દરમિયાન સર્વે ત્રિમંદિરમાં દર્શન કરવા ગયા હતાં. અડધો કલાક બાદ પરત ગાડી પાસે પહોંચ્યા ત્યારે તેની એક બારીનો કાંચ ફૂટેલો જોવાયો હતો. તપાસ કરતાં તેમાંથી ક્રિષ્ણાબેનની બેગ ગુમ હતી. તેમાં એક બંધ હાલતનો આઇફોન અન્ય એક ચાલુ ફોન, અડધા તોલાની તૂટેલી સોનાની વીંટી તથા રૂપિયા ૧૦ હજારના ગોગલ્સ મળી રૂપિયા ૧.૨૦ લાખનો મુદ્દામાલ હતો. જોકે ક્રિષ્ણાબેનને અમેરિકા પરત જવાનું હોવાથી જે તે દિવસે તેમણે ફરિયાદ કરી ન હતી. બાદમાં રાહુલ અમિને ફરિયાદ નોંધાવતા અડાલજ પોલીસે તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500