વલસાડના ગોરગામ ગામે રહેતા પટેલ દંપતીએ હોલમાં કચરો ઉડવા બાબતની નજીવી બાબતે ભત્રીજીને માર માર્યો હતો, જે બાબતની જાણ દંપતીની વિધવા ભાભીને થતા તેણી દિયર-દેરાણી પાસે પહોંચી હતી. પરંતુ આ સમયે ઉશ્કેરાયેલા દિયર અને દેરાણીએ ભાભી સાથે બોલાચાલી કરી હતી. આ સમયે ૧૭ વર્ષીય ભત્રીજો માતાને બચાવવા જતા કાકાએ ભત્રીજાને લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડના ગોરગામના અરવાડા ફળિયામાં રહેતા અરુણાબેન સુમનભાઈ પટેલ નામની વિધવા તેણીની ૧૮ વર્ષીય પુત્રી વૃત્તિ અને ૧૭ વર્ષીય પુત્ર સ્નેહ સાથે રહે છે અને ઘરકામ કરે છે. અરુણાબેન ખેતરમાં કામ પતાવી ઘરે આવ્યા હતા. તે સમયે પુત્રી રડતી હોવાથી અરુણાબેને રડવાનું કારણ પૂછતાં, પુત્રીએ કહ્યું કે, તેણી ઘરમાં આવેલા હોલમાં સાવરણીથી કચરો સાફ કરી રહી હતી. તે સમયે કચરો તેણીના કાકા નિલેશભાઈના હિસ્સામાં આવેલા હોલ તરફ પડતા ઉડયો હતો.
જે બાબતથી ઉશ્કેરાયેલા નિલેશભાઈ અને કાકી મીનાક્ષીબેને તેનો ચોટલો પકડીને ખેંચી કાઢી જમીન ઉપર પાડી દીધી હતી. પુત્રની વાત સાંભળ્યા બાદ અરુણાબેને આ બાબતે દિયર દેરાણીને પૂછતાં મીનાક્ષીબેને અરુણાબેન તરફ દોડી આવી, તકરાર શરૂ કરી હતી. જેથી પુત્ર સ્નેહ માતા પાસે પહોંચી ગયો હતો. આ સમયે ઉશ્કેરાયેલા નિલેશભાઈએ ભત્રીજાને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હતી. દિયર દેરાણીએ તેમની ભાભી અને તેણીના પુત્રને ધમકી આપતા, મામલો ડુંગરી પોલીસ મથકમાં પહોંચ્યો છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500