માલદીવ સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ મરિયમ શિઉના સહિત તેના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા છે. માલદીવના સ્થાનિક મીડિયા એટોલ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે, મુઈઝુ સરકારે તેના ત્રણ મંત્રીઓ સામે આ કડક કાર્યવાહી કરી છે જેમાં મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનનો સમાવેશ થાય છે. તેઓએ લક્ષદ્વીપની મુલાકાત બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતથી માલદીવને આંચકો લાગ્યો છે. માલદીવના મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પર અભદ્ર ટિપ્પણી કરી હતી જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ પેદા થયો છે. આ બધું માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની ચીન મુલાકાત પહેલા થઈ રહ્યું છે. બીજી તરફ માલદીવની આ હરકતથી ભારતીયો અકળાયા છે. માલદીવમાં ભારતીય હાઈકમિશનરે મંત્રી વિરૂદ્ધ પણ નોંધાવી છે.
દબાણ વધતા માલદીવની સરકાર બેકફૂટ પર આવી ગયું છે અને તેણે ભારત વિરૂદ્ધની ટિપ્પણીને જે તે નેતાનો અંગત વિચાર ગણાવ્યો છે. માલદીવની મંત્રી મરિયમ શિયુનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તસવીરોને લઈને વાંધાજનક નિવેદન આપ્યું હતું. માલદીવના આ નિવેદન સામે ભારતે સત્તાવાર રીતે વાંધો વ્યક્ત કર્યો છે. હવે આ અંગે માલદીવ તરફથી ખુલાસો આવ્યો છે. માલદીવ સરકારે કહ્યું કે આ મંત્રીનું અંગત નિવેદન છે અને તે માલદીવ સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા લક્ષદ્વીપ ગયા હતા. તેની તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર માલદીવને બદલે લક્ષદ્વીપ ટ્રેન્ડ થઈ રહ્યું હતું. જેના કારણે માલદીવ અકળાયું હતુ.
જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સત્તામાં આવ્યા બાદ માલદીવનું વલણ ભારત વિરોધી છે. આ જોતા સોશ્યિલ મીડિયા પર માલદીવનો બૉયકોટ પણ ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ ટ્રેન્ડ જોઈને માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કળાના નાયબમંત્રી મરિયમ શિઉના ચોંકી ગયા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ વિશેના ટ્વિટ પર ગયા અને અભદ્ર ટિપ્પણીઓ કરી. જોકે થોડા સમય બાદ તેઓને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં તેણીએ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ પેદા કરી દીધો હતો. માલદીવની સરકાર પોતાના મંત્રીના નિવેદન બાદ બેકફૂટ પર આવી ગઈ છે.
માલદીવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એક વ્યક્તિગત અભિપ્રાય છે અને તે માલદીવના વિચારોને પ્રતિબિંબિત કરતું નથી. સરકાર માને છે કે, સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદારીપૂર્વક અને એવી રીતે થવો જોઈએ કે જેનાથી નફરત, નકારાત્મકતા ન ફેલાય અને માલદીવના તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથેના સંબંધોમાં અવરોધ ન આવે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી અધિકારીઓ આવી અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. માલદીવમાં ભારતના હાઈ કમિશનરે પણ મરિયમ શિયુનાના નિવેદન અંગે માલદીવ સરકારને ફરિયાદ કરી છે. હવે માલદીવ સરકારે પણ મરિયમ શિયુનાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે અને તેને તેમનું અંગત નિવેદન ગણાવ્યું છે.
આ ટિપ્પણી કરી હતી માલદીવના નેતાઓએ…
માલદીવની સત્તારૂઢ પ્રોગ્રેસિવ પાર્ટી (PPM)નાં કાઉન્સિલ મેમ્બર ઝાહિદ રમીઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતના ફોટો પર લખ્યું : આ પગલું ઘણું સારું છે. જોકે અમારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે જે સેવા પ્રદાન કરીએ છીએ તે તેઓ કેવી રીતે પ્રદાન કરી શકે? તેઓ આટલા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે? તેમના રૂમમાં હંમેશા દુર્ગંધ આવતી રહે છે. ઝાહિદની આ ટિપ્પણી બાદ ભારતીય યુઝર્સે તેની આકરી ટીકા કરી છે. ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવા બદલ તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કળાના નાયબ મંત્રી મરિયમ શિયુનાએ ખૂબ જ ઝેરી ભાષા બોલતા નરેન્દ્ર મોદી માટે ‘જોકર’ અને ‘ઈઝરાયલની કઠપૂતળી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં ક્યાંય માલદીવનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ માલદીવ તરફથી સતત પ્રતિક્રિયા આવી રહી છે. જેની અસર એ છે કે બોયકોટ માલદીવ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500