સોનગઢનાં મલંગદેવ ગામે ઘરનાં ઓટલા ઉપર સુતેલી મહિલાનું કોઈ અજાણ્યા ઈસમે ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી હતી. જયારે હત્યાનાં સમયે પતિ નજીકમાં રહેતી બીજી પત્નીને ત્યાં ગયો હતો તથા સાથે રહેતો પુત્ર ઘરમાં સૂતો હોવાનું પરિવારે કહ્યું હતું. હત્યાનું કારણ અકબંધ હોવાથી પોલીસે પતિ તથા ત્રણ પુત્ર સહિત અન્ય લોકોનાં નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકામાં મલંગદેવ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા ગુલાબભાઈ બાબલાભાઇ ગામીતનાં માતા-પિતા નજીકમાં અલગ રહે છે.
તેમજ પ્રથમ પત્ની અંજલીબેનથી તેઓને ત્રણ સંતાન છે જે પૈકી મોટો પુત્ર રાજેશ ગામીતનાં લગ્ન થઈ ગયા છે અને તે પણ તેઓના ઘરથી આગળ નજીકમાં પત્ની સાથે અલગથી રહે છે અને બીજો પુત્ર સંજય ગામીત સુરત ખાતે કામ કરે છે જ્યારે નાનો પુત્ર જીતેશ ઉર્ફે જીતુ સાથે જ રહે છે. જયારે બીજી પત્ની ગીતાબેન પણ અલગથી નજીકમાં જ રહેતી હોવાથી ગુલાબભાઈ ગામીત તેની સાથે પણ કેટલીક વાર રહેતો હતો દરમિયાન ગુરુવારે રાત્રિના સમયે ઘરની બહાર ઓટલા ઉપર પાથરણું કરી સુતેલી અંજલીબેન ગામીતનું કોઈ અજાણ્યા ઈસમે ધારદાર સાધન વડે ઊંઘમાં જ ગળું કાપી હત્યા કરી હતી તથા હત્યાનું સાધન સાથે લઈ ફરાર થઈ ગયો હતો.
ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. આમ, પોલીસે મહિલાનાં પતિ ગુલાબભાઈ ગામીતની પૂછપરછ કરતાં રાત્રે જમીને નજીકમાં રહેતી બીજી પત્નીને ત્યાં સુવા જતો રહ્યો હોવાનું તથા નાનો પુત્ર જીતેશ ઘરની અંદર સૂઈ ગયો હોવાનું કહ્યું હતું. ઘટનાની જાણ થતાં નજીકમાં રહેતો પુત્ર અને સુરત ખાતે રહેતો પુત્ર ઘરે આવી ગયા હતા. વધુમાં સ્થાનિક ચર્ચા મુજબ સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર બોલા ચાલી અને ઝગડો રહેતો હતો. હાલ હત્યાનું કારણ અકબંધ હોવાથી પોલીસે મૃતક અંજલીબેનના પતિ ગુલાબભાઈ ગામીત તથા ત્રણેય પુત્રોને પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500