રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની શક્તિને ઉજાગર કરી નીડર, સ્વાવલંબી અને સ્વાભિમાની બને તેવા આશયથી આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત કામરેજ તાલુકાના નવી પારડી પ્રાથમિક શાળા ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી બી.જે. ગામીતે જણાવ્યું કે, નારી શક્તિ એ જગતની કલ્યાણકારી શક્તિ છે. આ જગતનો આધાર નારી પર જ રહેલો છે. આથી નારી સામાજિક, આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત હોવી જરૂરી છે.
દેશની મહિલાઓ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સમૃદ્ધ, સલામત અને સક્ષમ બની રહી છે. નવી પારડી સ્થિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના ડિરેક્ટર અમોલભાઈ ગોતેએ જણાવ્યું કે, સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર થઈ શકે તે માત્ર ગ્રામ્ય વિસ્તારોના ૧૮થી ૪૫ વર્ષના શિક્ષિત વ્યક્તિઓને સ્વરોજગાર માટે નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે. માસ્ટર ટ્રેઈનરો દ્વારા વિવિધ ગૃહ ઉદ્યોગોની ચીજવસ્તુઓ બનાવવાથી લઈને તેનું માર્કેટિંગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. કાયદાકીય જોગવાઈઓની માહિતી આપતા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કે.વી.લકુમે જણાવ્યું હતું કે, આપણું બંધારણ દેશના તમામ કાયદાનો સાર છે.
જેમાં મહિલાઓને સમાનતા, રક્ષણ, સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો અપાયા છે. આ સાથે જ ઘરેલુ હિંસા, ભરણપોષણ, મહિલાઓની સુરક્ષા માટે સરકારે અનેક બંધારણીય જોગવાઈઓ અમલી બનાવી છે. મહિલાઓ આર્થિક-સામાજિક સક્ષમ બને તો પરિવાર અને સમાજના વિકાસમાં વધુ સારૂં પ્રદાન કરી શકે છે. ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓ તો સુદ્રઢ બની જ છે, ત્યારે સામાજિક માળખાના વિકાસ માટે મહિલાઓ સક્ષમ બની પરિવાર અને સમાજનો વિકાસ કરે તે માટે મહિલાઓને કાયદાનું જ્ઞાન મળે તે ખૂબ જરૂરી છે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૪ કલાક કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરથી મહિલાઓના રક્ષણ માટેની પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, નારી સંરક્ષણ ગૃહ, વ્હાલી દિકરી યોજના, વિધવા પુનઃલગ્ન યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ સહિત વિવિધ યોજનાઓની જાણકારી મેળવી શકાશે એમ મમતાબેન કાકલોતરે જણાવ્યું હતું. સાર્થક આર્ટ ફાઉન્ડેશનના નેજ હેઠળ નાટ્ય કલાકારોએ સરકારની શિક્ષણ, અન્ન, આરોગ્ય, સ્વરોજગાર, શિક્ષણ સહિતની યોજનાઓ અને તેના મહત્વ અંગે રસપ્રદ નાટ્ય કૃતિ રજૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500