સુરતના રૂવાળા ટેકરા સ્થિત આઇ.એમ.આંગડીયા પેઢીનો છ વર્ષ જૂનો વિશ્વાસુ કર્મચારી રોકડા રૂપિયા 46 લાખનું પાર્સલ લઈ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ જતા મહિધરપુરા પોલીસે તેને શોધવા એક ટીમ તેના વતન ખેરાલુના મડાલી ગામ રવાના કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ મહેસાણા ઊંઝાના કંથરાવી ગામના વતની અને સુરતમાં સિટીલાઈટ અગ્રસેન ગાર્ડનની પાછળ મેઘના રો હાઉસ ઘર નં.2માં રહેતા 43 વર્ષીય રવિભાઇ ઇશ્વરભાઇ પટેલ મહિધરપુરા રૂવાળા ટેકરા ICICI બેન્કની સામે પહેલા માળે ઓફિસ નં.5/188માં આઇ.એમ.આંગડીયા નામે આંગડીયા પેઢી ધરાવે છે.
અન્ય રાજ્યોમાં પણ ઓફિસ ધરાવતા રવિભાઈની સુરત ઓફિસમાં કામ કરતા 14 કર્મચારી ઉપરાંત વધુ એક કર્મચારીની જરૂર હોય તેમને ત્યાં 11 વર્ષથી કામ કરતા અભયસિંહ ઠાકોરના ભાણેજ વિક્રમસિંહ ફતેજી ઠાકોર (રહે.મડાલી, તા.ખેરાલુ, જી.મહેસાણા)ને ગત 3 ફેબ્રુઆરી 2017ના રોજ રૂ.10 હજારના પગારથી ડિલિવરી બોય તરીકે નોકરીએ રાખ્યો હતો. પ્રમાણિકતાથી કામ કરતા વિક્રમસિંહને બરાબર બે વર્ષ અગાઉ પ્રમોશન આપી રૂપિયા 19 હજાર પગાર કરી મુંબઈ બીકેસીની ઓફિસમાં હીરા, દાગીના, રોકડ મોકલવાની જવાબદારી સોંપી હતી. દરમિયાન, ગત નવમીના રોજ રોકડા રૂ.46 લાખ મુંબઈ બીકેસી ઓફિસમાં મોકલવા આવતા રવિભાઈએ તેનું પાર્સલ બનાવી ઓફિસમાં રાખ્યા હતા.
તે પાર્સલ 10 મી ના મળસ્કે ત્રણ વાગ્યે લઈ જવાનું હતું. પણ વિક્રમસિંહ રાત્રે 10.30 વાગ્યે આવ્યો હતો અને પાર્સલ લઈ ચાલ્યો ગયો હતો. ત્યાં કામ કરતા અન્ય કર્મચારીઓએ શંકા જતા મેનેજરને જાણ કરી હતી. મેનેજરે ઓફિસમાં આવી CCTV ફૂટેજ ચકાસતા તેમાં વિક્રમસિંહ પૈસાનું પાર્સલ લઈ જતો નજરે ચઢ્યો હતો. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોય અને બીજા દિવસે તે મુંબઈ પણ નહીં પહોંચતા રવિભાઈએ અભયસિંહ મારફતે વતન તપાસ કરાવી તો તે ત્યાં પણ પહોંચ્યો નહોતો. આથી પોતાની રીતે તપાસ કર્યા બાદ રવિભાઈએ છેવટે ગતરોજ વિક્રમસિંહ વિરુદ્ધ નોકર ચોરીની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસની એક ટીમ તેના વતન રવાના થઈ છે.વધુ તપાસ પી.એસ.આઈ. કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500