આપણે બધા જ રોજ ભારતીય ચલણી નોટ દ્વારા વિવિધ રોજીંદા વ્યવહારો કરતા હોઈએ છીએ, પરંતુ નોટ પર છપાયેલ મહાત્મા ગાંધીની મુસ્કુરાહટ વાળી તસવીર સૌ પ્રથમ ક્યારે અને કેવી રીતે છાપવામાં આવી તેના વિશે નહી જાણતા હોવ. ઉપરાંત આ તસવીર કોણે લીધી હતી તેના વિશે પણ નહી જાણતા હોવ..આજે તમને ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર કેવી રીતે છાપવામાં આવી તેના વિશે વાત કરીએ.
તમારી જાણકારી માટે આઝાદીના 49 વર્ષો સુધી કાયમી ધોરણે ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવતી નહોતી, પરંતુ તેની જગ્યાએ અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવતો હતો.15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ તેના બે વર્ષ પછી પણ આઝાદ ભારતની ચલણી નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. વર્ષ 1949 સુધી નોટ પર બ્રિટનના રાજા કિંગ જ્યોર્જ (છઠ્ઠા)ની તસવીર છાપવામાં આવતી હતી. 1949માં ભારત સરકારે પહેલી વાર એક રુપિયાની નોટની ડિઝાઈન કરી હતી અને તેમા કિંગ જોર્જની જગ્યા પર અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવ્યો હતો.
1950 માં સરકારે 2, 5, 10 અને 100 રુપિયાની નોટ છાપી હતી, આ નોટો પર અશોક સ્તંભની તસવીર છાપવામાં આવી હતી. તેના પછી કેટલાક વર્ષો સુધી ભારતીય ચલણી નોટો પર અશોક સ્તંભ સાથે અલગ- અલગ તસવીરો છાપવામાં આવતી હતી. જેમકે - આર્યભટ્ટ સેટેલાઈટથી લઈને કોણાર્કના સુર્યમંદિર અને ભારતીય ખેડુતો વગેરે તસવીરો છાપવામાં આવતી હતી.
વર્ષ 1969માં પહેલીવાર ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી. તે વર્ષે મહાત્મા ગાંધીની 100મી જન્મ જયંતી હતી તેને ધ્યાનમાં રાખીને ખાસ સીરીઝ જાહેર કરવામાં આવી હતી. આ સીરીઝની નોટમાં મહાત્મા ગાંધીના સેવાગ્રામ આશ્રમની તસવીર પણ છાપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 1987માં બીજીવાર 500 રુપિયાની નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી.
વર્ષ 1995માં ભારતીય રિઝર્વ બેંકે ભારતીય ચલણી નોટ પર કાયમી ધોરણે મહાત્મા ગાંધીની તસવીર છાપવા માટે કેન્દ્ર સરકાર પાસે રજુઆત કરી હતી. જેમા સરકારની મંજુરી બાદ વર્ષ 1996માં નોટ પર અશોક સ્તંભની જગ્યા પર મહાત્મા ગાંધીની તસવીર છપાવા લાગી. જો કે ત્યારે પણ અશોક સ્તંભને નોટ પરથી સંપુર્ણ રીતે હટાવવામાં નહોતો આવ્યો, પરંતુ કેટલીકવાર નાના કદમાં અશોક સ્તંભ જોવા મળતો હતો. એ બાદ વર્ષ 2016માં રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીની તસવીરવાળી નોટોની એક સીરીઝ લોન્ચ કરી હતી, જેમા નોટ પર મહાત્મા ગાંધીની તસવીર સાથે સાથે બીજી બાજુ 'સ્વચ્છ ભારત અભિયાન' નો લોગો પણ છાપવામાં આવ્યો હતો.
ભારતીય રુપિયા પર મહાત્મા ગાંધીની જે તસવીર જોવા મળે છે તે કોઈ કેરીકેચર અથવા ઈલેસ્ટ્રેશન નથી, પરંતુ એક ઓરિજનલ ફોટોનો કટ આઉટ છે. આ તસવીર વર્ષ 1946માં કોલકતાના વાયસરોય હાઉસમાં લેવામાં આવ્યો હતો. ત્યારે મહાત્મા ગાંધી લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક લોરેંસને મળવા આવ્યા હતા.હેનરી કાર્ટિયરથી લઈને માર્ગ્રેટ બોર્ક વ્હાઈટ અને મેક્સ ડેસ્ફર જેવા દુનિયાના વિખ્ચાત ફોટોગ્રાફર્સે મહાત્મા ગાંધીની તસવીર લીધી હતી. પરંતુ ચલણી નોટ પર જે તસવીર જોવા મળે છે તે તસવીર કોણે લીધી છે તે હજુ સુધી કોઈની પાસે જાણકારી નથી. આ ઉપરાંત હજુ સુધી એ પણ જાણકારી નથી કે આ ફોટો કોણે પસંદ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500