રવિવારે બપોરે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહ માટે ખારઘર ખાતે ઓછામાં ઓછા 13 લોકોનું મૃત્યુ થયું હતું. આ સાથે જ 600થી વધુ લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ ઇવેન્ટમાં લાખો લોકો કલાકો સુધી ભારે તાપ વચ્ચે બેઠા હતા. ઘણા લોકોએ ડિહાઈડ્રેશનની ફરિયાદ કરી હતી અને જમીન પર બેહોશ થઈ ગયા હતા જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
સામાજિક કાર્યકર દત્તાત્રેય નારાયણ ધર્માધિકારી, જેને અપ્પાસાહેબ ધર્માધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું સન્માન કરવા માટે સવારે 11.30 થી 1.30 વાગ્યાની વચ્ચે નવી મુંબઈના ખારઘરમાં એક વિશાળ ખુલ્લા મેદાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેમના લાખો અનુયાયીઓ હાજર રહ્યા હતા. દિવસના સમયે ભારે તડકા નીચે ઊભા રહ્યા પછી, ઘણા લોકોએ ડિહાઈડ્રેશનની ફરિયાદ કરી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને આંકડો વધી શકે છે કારણ કે ત્યાં નાસભાગ પણ મચી ગઈ હતી. 600થી વધુ સનસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. હોસ્પિટલ-પનવેલ ખાતે હોસ્પિટલો અને પોસ્ટ મોર્ટમ રૂમમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
CM એકનાથ શિંદે હોસ્પિટલમાં બિમારોને મળ્યા
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દર્દીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તે કામોથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. શિંદેએ મૃતકોના પરિવારને રૂ. 5 લાખની રાહતની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હોસ્પિટલની મુલાકાત લે તેવી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500