મહારાષ્ટ્રની મહિલાઓમાં તમાકુ, શરાબ, કેફી દ્રવ્યોનાં વ્યસનને કારણે થતાં ગંભીર રોગ વિશે જાગૃતિ ફેલાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિના દરમિયાન મહારાષ્ટ્રનાં આઠ જિલ્લાની 18 વર્ષ કરતાં વધુ વયની 64 લાખ કરતાં વધુ મહિલાઓને આરોગ્ય માટે હાનીકારક વ્યસનોની ગંભીરતા સમજાવવામાં આવી છે. તમાકુ, શરાબ, કેફી દ્રવ્યોનાં વ્યસનથી કેન્સર, લીવરના રોગ, ડાયાબિટીસ, હૃદય રોગ વગેરે જેવા ગંભીર અને લાંબા સમય સુધી સારવાર કરવી પડે તેવા રોગ થવાનું જોખમ રહે છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2022નાં સપ્ટેમ્બરમાં માતા સુરક્ષિત, તો ઘર સુરક્ષિત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યનાં થાણે, પુણે, નાશિક, કોલ્હાપુર, બીડ, નાગપુર, ઔરંગાબાદ, લાતુર એમ કુલ આઠ જિલ્લાની કુલ 1.56 કરોડ વયસ્ક મહિલાઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંની 64,55,475 મહિલોઓને તમાકુ, શરાબ, નશીલાં દ્રવ્યોથી થતા ગંભીર રોગની ઘાતક અસરથી વાકેફ કરવામાં આવી છે.
આવાં વ્યસનોથી કેન્સર, ડાયાબિટીસ, લીવરના રોગ, હૃદય રોગ, હાયપર ટેન્શન જેવા ગંભીર અને લાંબા સમય સુધી સારવાર લેવી પડે તેવી બીમારી થવાની ભારોભાર સંભાવના રહે છે. આ ઝુંબેશ દરમિયાન પુણે જિલ્લાની 11.8 લાખ અને નાશિક જિલ્લાની 10 લાખ મહિલાઓને આવાં આરોગ્ય માટે હાનીકારક વ્યસનોની ગંભીરતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જે પ્રમાણ આખા રાજ્યમાં સૌથી વધુ છે.
ડાયરેક્ટોરેટ ઓફ હેલ્થ સર્વિસિસના જોઇન્ટ ડાયરેક્ટર (નોન-કમ્યુનિકેબલ ડિસીઝ-એનસીડીઝ) ડો.પદ્મજા જોગેવારે એવી માહિતી આપી હતી કે, મહારાષ્ટ્રમાં ઘણી મહિલાઓને પણ શરાબ, તમાકુ, નશીલાં દ્રવ્યો વગેરેનું સેવન કરવાની જબરી કુટેવ હોય છે. પરિણામે તેઓને ડાયાબિટીસ, હૃદય રોગ, કેન્સર અને હાઇપર ટેન્શન વગેરે જેવી ગંભીર બીમારી થાય છે. મહારાષ્ટ્ર સહિત ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહિલાઓમાં બીડી પીવાની અને તમાકુ ખાવાનું વ્યસન હોય છે. આવાં વ્યસનને કારણે મહિલાઓને ગંભીર બીમારી થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500