તારીખ ૦૨નાં રોજ મોડી રાત્રિએ ફીલીપાઇન્સના દક્ષિણના ટાપુ મિન્ડાનાઓમાં ૭.૫ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. પરિણામે ૯ ફિટથી પણ વધુ ઊંચાઈનાં મોજાં ઉછળ્યાં હતાં. આ ધરતીકંપની જાપાન સુધી અસર દેખાઈ હતી. ત્યાં સુનામી ચેતવણી ન હતી. પરંતુ ફીલીપાઇન્સના સત્તાવાળાઓએ ફીલીપાઈન્સના સમુદ્ર તટે સુનામીની ચેતવણી જાહેર કરી દીધી હતી. જાપાનના સમુદ્રતટે સાડાત્રણ ફીટથી પણ વધુ ઊંચાઈનાં મોજાં ઊછળ્યાં હતાં. ફીલીપાઈન્સની સીસ્મોલોજિકલ એજન્સી ફીવોલ્કસે જણાવ્યું હતું કે, મધરાતે આ ધરતીકંપ થયો હતો, તે પછી તેના આફટર શોક્સ તો કલાકો સુધી લાગ્યા કર્યા હતા. અમેરિકાની 'સુનામી વોર્નિંગ સીસ્ટીમ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, ફીલીપાઈન્સના સમુદ્ર તટે ૩ મીટરથી પણ વધુ ઊંચાઈનાં મોજાં ઊછળવાની સંભાવના છે.
ફીલીપાઈન્સની સીસ્મોલોજીકલ સંસ્થા ફિવોલ્કસે સમુદ્ર તટે આવેલાં ઓરિએન્ટલ પ્રાંતનાં સુરીગાઓ, ડેલ-સૂર અને દાવાઓ નગરોના રહેવાસીઓને તુર્ત જ તે નગરો છોડી દેવા અને અંદરના ભાગે આવેલાં વિસ્તારોમાં ચાલ્યા જવા જણાવ્યું હતું. જાપાનની બ્રોડકાસ્ટ સંસ્થા એન.એલ.કે.નાં જણાવ્યા મુજબ ફીલીપાઇન્સમાં રાત્રે આશરે ૧ વાગે ધરતીકંપ થયો હતો તે પછી આશરે અર્ધાકલાકે જાપાનના દક્ષિણ પશ્ચિમે ૩ ફીટથી વધુ ઊંચાઈનાં મોજાં ઊછળ્યાં હતાં.
સમુદ્રતટનાં હિનાનુયાન નગરના સ્થાનિક પોલીસ વડા રેમાર્ડ જેન્ટાલને પત્રકારોને કહ્યું હતું કે, આ ધરતીકંપ કે સુનામીને લીધે કોઈ જાનહાની થયાના સમાચાર નથી. વાસ્તવમાં પેસિફિક સમુદ્રની ફરતી રહેલી રીંગ ઓફ ફાયર (જ્વાળામુખી માળા)માં ફીલીપાઈન્સ આવતું હોવાથી ત્યાં ધરતીકંપ કે જ્વાળામુખીઓ ફાટવાની શક્યતા વધુ રહેલી છે. આ ધરતીકંપ યુરોપિયન મેડીટેરેનિયન સીસ્મોલોજીકલ સેન્ટર (ઈ.એમ.એલ.સી.) અને યુએસ જ્યોગ્રોફિક સર્વેએ પણ નોંધ્યો હતો. તેનું કહેવું તો તેમ છે કે ભૂકંપનો આંક ૭.૬ હતો. વાસ્તવમાં ૫થી વધુ આંકના ભૂકંપ ગંભીર ગણાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500