ચીનથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ચીનમાં મોડી રાત્રે આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 6.2ની માપવામાં આવી હતી અને તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. ભૂકંપનાં કારણે અનેક જગ્યાએ નુકસાન થયુ છે. હાલ રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ 37 કિમી અને લાન્ઝોઉ ગાંસુથી લગભગ 100 કિમી દૂર આવ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંપૂર્ણ સર્ચ ઓપરેશન અને ઝડપી બચાવ કાર્ય, અસરગ્રસ્તોનું યોગ્ય પુનર્વસન અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેના મહત્તમ પ્રયાસો સહિતના ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. ચાઈના નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર ગતરોજ લગભગ 12 વાગ્યાની આસપાસ પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપના અનુભવાયા હતા.
આ સમયે લોકો પોનાના ઘરમાં સુતા હતા તે દરમિયાન જ 6.2 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ભારે તબાહી સર્જાઈ છે જેમાં અનેક ઘરો ધરાશાયી થયા છે. ચીનમાં ભૂકંપ આવ્યો તે પહેલા પાકિસ્તામાં પણ ધરા ધ્રુજી હતી જેની તીવ્રતા 5.8 મપાઈ હતી અને નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર આ ભૂકંપ 133 કિમી ઊંડાઈ આવ્યો હતો. ચીનના ગાંસુમાં ભૂકંપને કારણે વધારે તબાહી સર્જાઈ હતી જેના પગલે રાહત કાર્ય ઝડપી શરુ કરી દેવામાં આવ્યું છે. હાલ 33 એમ્બ્યુલન્સ અને 173 મેડિકલ સ્ટાફને ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત કિંધાઈ પ્રાંતમાં પણ 68 એમ્બ્યુલન્સ અને 40થી વધુ નિષ્ણાતોને રવાના કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500