Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ : 62 લોકોનાં મોત

  • November 22, 2022 

ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, એમાં 62 લોકોનાં મોત થયા હતા. 700 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી. એમાંથી ઘણાં ઈજાગ્રસ્તોની સ્થિતિ ખૂબ જ નાજૂક હોવાનું સરકારી નિવેદનમાં કહેવાયું હતું. અસંખ્ય મકાનોને નુકસાન થયું હતું. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર જાવાના સિયાનજૂરમાં 10 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હતું. ઈન્ડોનેશિયાના જાવામાં ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. સિયાનજૂરમાં ત્રાટકેલા આ ભૂંકપની વ્યાપક અસર થઈ હતી. રિક્ટર સ્કેલમાં તેની તીવ્રતા 5.6 નોંધાઈ હતી. સેંકડો ઈમારતોમાં નુકસાન થયું હતું અને તિરાડો પડી ગઈ હતી. એવી ઈમારતોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને આશ્રય ગૃહોમાં ખસેડાયા હતા.



જોકે તીવ્ર ભૂકંપ બાદ લોકોમાં આફ્ટર શોકનો ભય જોવા મળ્યો હતો. લોકોએ ઘરમાં જવાનું ટાળ્યું હતું અને બહાર જ કલાકો વીતાવ્યા હતા. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીનાં કહેવા પ્રમાણે રાહત અને બચાવ કામગીરીનો આરંભ કરી દેવાયો છે. મૃત્યુઆંક વધે એવી દહેશત છે. કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. ઘણી હોસ્પિટલો, ઘણી ધાર્મિક ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી. સોશિયલ મીડિયામાં ભૂકંપની તસવીરો અને વીડિયો શેર થયા હતા. તસવીરો અને વીડિયો પરથી જણાયું હતું કે અસંખ્ય ઈમારતો ધસી પડી હતી. લગભગ બે-અઢી મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિનિટો સુધી ઈમારતો હાલતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. 




ઉલ્લેખનીય છે કે, 27 કરોડની વસતિ ધરાવતા ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ ત્રાટકે છે. ઈન્ડોનેશિયાના પેટાળમાં જ્વાળામુખીઓની રિંગ હોવાથી આ વિસ્તારમાં સૌથી વધુ ભૂકંપ ત્રાટકવાની શક્યતા છે. રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા ઈન્ડોનેશિયામાં હજુ તો ફેબ્રુઆરીમાં જ 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં 25નાં મોત થયા હતા અને અસંખ્ય ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. 2021માં જાન્યુઆરીમાં 6.2ની જ તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેમાં 100 લોકોનાં મોત થયા હતા અને 6200ને ઈજા થઈ હતી. 2004માં પણ ભૂકંપને સુનામીનાં કારણે ઈન્ડોનેશિયા સહિતના દેશોમાં તારાજી સર્જાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application