સુરતનાં ખટોદરા જૂની સબજેલ પાછળ રહેતા અને વરાછા સ્થિત ક્રેડિટ સોસાયટીના મહિલા કેશિયરને એપીકે ફાઈલ મોકલી યુનિયન બેન્કની ડુપ્લીકેટ એપમાં એકાઉન્ટની વિગતો ભરાવી ભેજાબાજે રૂપિયા 61,300 ટ્રાન્સફર કરી લેતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતનાં ખટોદરા જૂની સબજેલ પાછળ રહેતા અને વરાછા સ્થિત ક્રેડિટ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી કેશિયર તરીકે નોકરી કરતા 49 વર્ષીય સોનલબેન (નામ બદલ્યું છે) યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં સેવીંગ્સ એકાઉન્ટ ધરાવે છે.
સોનલબેને ગત 30 મે’ના રોજ સવારે 10.30 વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં બેન્કની વ્યોમ એપ ઓપન કરી સ્ટેટમેન્ટ માટે એપ્લાય કરતા એરર આવી હતી. થોડી વારમાં જ તેમના વ્હોટ્સએપ નંબર ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી યુનિયન બેન્ક સ્ટેટમેન્ટ નામની એપીકે ફાઈલ આવતા તે સ્ટેટમેન્ટ મેળવવા માટેની હશે તેમ માની સોનલબેને તેને ડાઉનલોડ કરતા બેન્કનું પેઈજ ઓપન થયું હતું. તેમાં આધારકાર્ડ, જન્મ તારીખની વિગતો ભરી હતી.
જોકે એટીએમ કાર્ડ નંબર અને સીવીવીની વિગતો માંગતા તેમને અજુગતું લાગ્યું હતું અને તે ફાઈલમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ બપોરે 1.22 કલાકે તેમને બેન્કમાંથી રૂપિયા 11,300નું ટ્રાન્ઝેક્શન કર્યાનો મેસેજ આવ્યો હતો. આથી તેમણે બેન્કમાંથી આવેલા અન્ય મેસેજ ચેક કર્યા તો સવારે 10.43 કલાકે પણ રૂપિયા 50 હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તેવો મેસેજ હતો. પોતે આવા કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા ન હોય તેમણે બેન્કની સલાબતપુરા બ્રાન્ચમાં જઈ તપાસ કરતા તેમને જે એપીકે ફાઈલ આવી હતી તે બેન્કની ફેક એપની ફાઈલ હોવાની જાણ થઈ હતી. આથી છેવટે તેમણે ભેજાબાજ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પીઆઈ વાય.એસ.ગામીતે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500