સતત વરસાદના પગલે માંડવી તાલુકાના મુજલાવ થી બૌધાન માર્ગ પર આવેલ વાવીયા ખાડી પરનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો હતો. ગતરોજ રાત્રીના સમયે પુલ પરથી મોટર સાયકલ લઈને પસાર થતા બે યુવાનો પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. જોકે બન્ને યુવાનનો સદનસીબે ચમત્કારી બચાવ થયો હતો. પરંતુ મોટર સાયકલ ખડીના પાણીમાં તણાઈ હતી.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુજલાવથી બૌધાન ગામને જોડતા માર્ગ પર વાવીયા ખાડી પરનો લો લેવલ પુલ આવેલો છે. છેલ્લા 24 કલાકથી અવિરત પડી રહેલા વરસાદના પગલે આસપાસના ખેતરો તેમજ કોતરના પાણી વાવીયા ખાડીમાં ભળે છે. જેને પગલે વાવીયા ખાડીનું જળસ્રોત વધતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો હતો. ગતરોજ રાત્રીના 11 વાગ્યાનાં સુમારે તડકેશ્વરનાં બે યુવાન મોટર સાયકલ પર સવાર થઈ મુજલાવ થી બૌધાન તરફ જઇ રહ્યા હતા.
દરમિયાન ખાડીના પાણીના વહેણમા મોટર સાયકલ તણાવા લાગી હતી. ચાલક તેમજ પાછળ બેસેલા યુવાન વિશાલ વસાવા અને સંદીપ વસાવાએ સમયસૂચકતા જોઈ મોટર સાયકલ પરથી ઉતરી ગયા હતા.જોત જોતામાં મોટર સાયકલ ખાડીના પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે સદનસીબે બન્ને યુવાનનો ચમત્કારી બચાવ થવા પામ્યો હતો. હાલ વરસાદનું જોર ઘટતા પુલ પરથી પાણી ઉતરવા પામ્યા છે. જેને પગલે ફરી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500