Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઈ ચુકી છે, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર

  • July 07, 2024 

આજે અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. અમદાવાદ, ભાવનગર બાદ રાજકોટમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. રાજવી માંધાતાસિંહ જાડેજા પહીંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી ગઈ છે. પોલીસનો કાફલો કાલુપુર સર્કલ પાસે ડોગ સ્ક્વોડ સાથે તહેનાત છે. જગન્નાથની રથયાત્રામાં 'અખાડા અને કરતબ'એ આકર્ષણ જમાવ્યું છે.


યુવાનોની તલવારાબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા છે. દેશની ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા અષાઢી બીજ (સાતમી જુલાઈ)ના પાવન દિવસે શહેરના રાજમાર્ગો નિકળવા માટે પ્રસ્થાન થઈ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાની સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળની નજીક પહોંચ્યા છે. તો બીજી તરફ ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં પણ ભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે.


પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. આજે અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. કચ્છીમાડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર કચ્છી ભાષામાં પોસ્ટ કરીને કચ્છીમાડુઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ લખ્યુ છે કે 'મૂંજેં વલેં કચ્છી ભા, ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો'. રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે.


રોડની બંને સાઈડ ભક્તો રથયાત્રાની પ્રતીક્ષા કરી રહ્યા છે.  ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં શરુ થઈ ગઈ છે. ત્રણેય રથ મંદિરની બહાર નીકળ્યા છે. દેશ-વિદેશથી લગભગ 50 હજારથી વધારે ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application