સુરતમાં હિરા ઘસવાનું કામ કરતાં યુવાન પાસે ર્પૈસા લઇને લગ્ન કરી પિયર જતી રહેલી બહુનામધારી યુવતીને એક વર્ષ બાદ પોલીસે પાણીગેટ વિસ્તારમાંથી ઝડપી પાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે સુરતના કતારગામ વિસ્તારમાં જેકેપી નગર સોસાયટીમાં યોગી એપાર્ટમેન્ટ ખાતે રહેતા જીતુ વાલજીભાઇ માંડવીયાના લગ્ન થતા ન હતાં દરમિયાન તેના સંબંધીઓ દ્વારા કરજણમાં રહેતા યુસુફ હસુભાઇ પઠાણની ઓળખ થઇ હતી અને તેને તે વખતે પાણીગેટ વિસ્તારમાં હડકાય માતાના મંદિર સામે રહેતી શીતલ મહેન્દ્ર રાઠોડ સાથે પરિચય કરાવ્યો હતો અને લગ્ન કરાવવા માટે જીતુએ રૂ.૧.૩૨ લાખ આપી શીતલ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ શીતલ ઘેર આવી હતી અને થોડા દિવસો રોકાણ કર્યા બાદ તે પિયર જતી રહી હતી.આ વખતે જીતુ શીતલને સાસરીમાં આવવાનું વારંવાર કહેવા છતાં તે આવતી ન હતી અને બાદમાં જીતુને ખબર પડી હતી કે મારી પાસે પૈસા પડાવવાના ઇરાદે જ આ ટોળકીએ લગ્ન કરાવ્યા હતા જેના પગલે જીતુએ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ-૨૦૨૨માં કરજણ જલારામ સોસાયટીમાં રહેતી કપિલા ડાહ્યાભાઇ રાઠોડ, યુસુફ હસુ પઠાણ, આણંદ જિલ્લાના તારાપુર ખાતે રહેતા મેલસીગ રાઠોડ અને વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતી સવિતા ઉર્ફે ચંચળ મહેન્દ્ર રાઠોડ તેમજ શીતલ મહેન્દ્ર રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં એક વર્ષથી ફરાર શીતલ પાણીગેટ વિસ્તારમાં છે તેવી બાતમીના આધારે પાણીગેટ પોલીસે તેને ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેના અનેક નામો જાણવા મળ્યા હતાં. તે અલગ અલગ નામો ધારણ કરી લગ્ન કરતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે શીતલ ઉર્ફે સોનલ ઉર્ફે સોનું ઉર્ફે તેજલ છીતુભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ રાઠોડ (રહે.શોભાસણ, તા.દેત્રોજ, રામપુરા)ની ધરપકડ કરી તેને સુરત પોલીસને સોંપી દીધી હતી. તેની સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૦માં અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ પણ ગુનો નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500