મૈસુરુ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (એમયુડીએ) જમીન ફાળવણી કેસમાં લોકાયુકત પોલીસે કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધારમૈયા પૂછપરછ માટે જારી સમન્સના જવાબમાં અહીં લોકાયુક્ત પોલીસ સમક્ષ હાજર થયા હતાં અને લોકાયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) ટી જે ઉદેશના નેતૃત્ત્વમાં એક ટીમના પ્રશ્રોના જવાબ આપ્યા હતાં. લોકાયુક્ત અધિકારીના જણાવ્યા અનુસાર પૂછપરછ બે કલાક સુધી ચાલી હતી.
લોકાયુક્ત પોલીસ દ્વારા દાખલ એફઆઇઆરમાં આરોપી નં.૧ તરીકે દર્શાવવામાં આવેલા મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા તેમના પત્ની પાર્વતી બી એમને અપાયેલ જમીનના 14 પ્લોટની ફાળવણીમાં અનિયમિતતાના આરોપોનો સામનો કરી રહ્યાં છે. લોકાયુકત પોલીસે 25 ઓક્ટોબરે તેમની પત્નીની પૂછપરછ કરી હતી જેમને આરોપી નં. 2 તરીકે દર્શાવવામાં આવ્યા છે. મૈસુર સ્થિત લોકાયુક્ત પોલીસ દ્વારા 27 સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં સિદ્ધારમૈયા, તેમના પત્ની, તેમના સાળા મલ્લિકાર્જુન સ્વામી અને દેવરાજુ (જેમની પાસેથી સ્વામીએ જમીન ખરીદીને પાર્વતીને ભેટમાં આપી હતી) તથા અન્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સ્વામી અને દેવરાજુ અગાઉ લોકાયુક્ત પોલીસ સમક્ષ હાજર થયા હતાં. વિપક્ષ ભાજપે ફરી એક વખત સિદ્ધારમૈયાના રાજીનામાની માગ કરી હતી અને દેખાવો કર્યા હતાં. ભાજપ ધારાસભ્ય ટી એસ શ્રીવત્સના નેતૃત્ત્વમાં દેખાવકારોએ સિદ્ધારમૈયાની ટીકા કરી હતી અને તેમને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવા અને તપાસનો સામનો કરવા જણાવ્યું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે મુખ્યપ્રધાન પદ પર ચાલુ રહીને નિષ્પક્ષ તપાસ કઇ રીતે થઇ શકે. લોકાયુક્ત તપાસ અંગે શંકા વ્યક્ત કરતા શ્રીવત્સે સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500