તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલ ગામે ગ્રામસેવા સમાજ, વ્યારા સંચાલિત વનાંચલ આશ્રમશાળા ખાતે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડીયાના વરદ્ હસ્તે દાતાઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે તા.૨૯-૦૫-૨૦૨૨ ના રોજ છાત્રાલયનું લોકાર્પણ કરાયું હતું.
છાત્રાલયના નુતન ભવનના લોકાર્પણ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાએ દાતાઓની સખાવતને વંદન કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવાનું મહત્વનું નથી પરંતુ શાસ્ત્રોના નિયમાનુસાર જરૂરિયાતમંદ માટે સત્કર્મ પણ એટલું જ મહત્વનું છે. આદિવાસી વિસ્તારના બાળકોને રહેવાની સારી સુવિધાઓ મળે તે માટે દાતાઓ દ્વારા કરવામાં આવેલ કાર્ય સમાજ માટે પ્રેરક અને પ્રશંસનિય છે. આ વિસ્તારના બાળકો શિક્ષણ ક્ષેત્રે પોતાનું ઉજ્વળ ભવિષ્ય કંડારે અને મજબૂત રાષ્ટ્રના નિર્માણના ભાગીદાર બને એવી અપેક્ષા વ્યક્ત કરૂં છું.
સંસ્થાના અગ્રણી કનુભાઈ ચૌધરીએ જ્ઞાન-ભક્તિ અને કર્મ થકી વનાંચલ નામકરણ કરનાર કાકા સાહેબ કાલેલકરને યાદ કરી ઘસાઈને ઉજળા થવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. સાથે સંસ્થાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે દક્ષિણ વિભાગની મંડળીઓના સહકારથી ગ્રામસેવા સમાજે શરૂઆત કરી હતી.
અત્યાર સુધીમાં માધ્યમિક વિભાગ ધોરણ ૮ થી ૧૦ સુધીમાં ૬૭૮૬ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે.ઉચ્ચત્તર વિભાગમાં ૨૭૮ વિદ્યાર્થીઓ અને પ્રાથમિક વિભાગમાં ૨૪૯૯ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે. જેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ગ્રામસેવકો,ઈજનેરો અને તબીબી ક્ષેત્રે પણ સિધ્ધિના શિખરો સર કર્યા છે.
દાતાશ્રી રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જ્યાં સરસ્વતીનો વાસ હોય ત્યાં લક્ષ્મીજી અવશ્ય પધારે છે. કન્યાઓ બે કુળને તારે છે. જેથી કન્યાઓ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને વ્યવસ્થાઓનો પુરેપુરો સદઉપયોગ કરે. ઉચ્ચ શિક્ષણ મેળવીને કુટુંબ,સમાજ અને દેશને ગૌરવ અપાવે એવી જ અભ્યર્થના.
શ્રીમતિ પારૂલ રમેશભાઈ કનુભાઈ દેસાઈ છાત્રાલયના નિર્માણ સાથે ૧૧૬માં ભવનનો લોકાર્પણ સમારોહમાં ૨૦૮ સરસ્વતીધામ નિર્માણના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ,સુરત,નુતન ભવનના સહયોગી દાતા પરિવાર (ન્યુ જર્સી-USA) રમેશભાઈ કનુભાઈ દેસાઈ,શ્રીમતિ પારૂલબેન રમેશભાઈ દેસાઈ,વિરજીભાઈ રવાણી સહિત દાતા મહાનુભાવોને મંત્રીશ્રી મોરડીયાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500