ડોલવણ ખાતેના ચાર રસ્તા પર આવેલી પશુ આહારની બે દુકાનોને તસ્કરોએ નિશાનો બનાવી શટરના તાળા તોડી રોકડા રૂપિયા ૧.૪૦ લાખ તથા ડીવીઆર સહિત સીસીટીવી કેમેરાના સાધનો મળી કુલ રૂપિયા ૧.૪૪ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણમાં વ્યારા-ઉનાઈ રોડ પર સ્વામીનારાયણ મંદિરની બાજુમાં ચાર રસ્તા પર મુકેશભાઈ કૈલાશભાઈ શર્માની મારુતિ ટ્રેડર્સ નામે પશુ આહારની દુકાન છે. જોકે દુકાનના ઉપર રહેણાંક મકાનમાં તેઓ પરિવાર સાથે રહે છે.
જયારે શનિવારે સવારે દુકાન ખોલવા નીચે આવીને જોતા આગળનું શટર થોડું ઉંચુ થયેલું દેખાયું હતું. જેથી અંદર જઈને જોતા ગલ્લાનું લોક તૂટેલું હતું અને અંદર મુકેલા રૂપિયા ૭૦,૦૦૦/- ચોરી થયા હતા. ઉપરાંત દુકાનમાં મુકેલા સીસીટીવી કેમેરા ફેરવ્યા હતા અને કનેક્ટર રૂપિયા ૨૦૦૦ પણ ચોરાઈ ગયું હતું એજ રીતે નજીકમાં આવેલી જયસુખભાઈ હિંમતભાઈ કાતરીયાની કિસ્મત પશુ આહારની દુકાનમાં પણ શટરનું તાળું તોડી ગલ્લામાંથી રોકડા રૂપિયા ૭૦,૦૦૦ તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર રૂપિયા ૨૦૦૦/-ની ચોરી થઈ હતી. જેથી મુકેશભાઈ શર્માએ પોલીસ મથકે બંને દુકાનોમાં કુલ રોકડા રૂપિયા ૧,૪૦,૦૦૦/- તથા સીસીટીવી કેમેરાના સાધનો મળી કુલ રૂપિયા ૧,૪૪,૦૦૦/-ની ચોરી થયાની ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500