ઉકાઈનાં જીઈબી કોલોનીમાં તસ્કરોએ એક જ રાતમાં સાત બંધ ઘરનાં તાળા તોડી ચોરી કરતાં સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ હતી. જોકે સાત પૈકીના એક ઘરમાંથી રોકડ અને ઘરેણા મળી કુલ રૂપિયા 89,500/-ની કિંમતની ચોરી કરી હતી જ્યારે બીજા ત્રીજા ઘરમાંથી કોઈ વસ્તુ ચોરાઈ નથી અને બાકીના ત્રણ ઘરમાં રહેતા લોકો હાજર ન હોવાથી કેટલીક વસ્તુઓ ચોરાઈ તે જાણી શકાયું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉકાઈ જીઈબી કોલોનીમાં રહેતા થર્મલ પાવર સ્ટેશનનાં કર્મચારીઓ પૈકીના કેટલાક હાલ ઉનાળુ વેકેશન અને લગ્નના દિવસોના કારણે તેઓના ઘરે તાળું મારી બહારગામ ગયા હતા.
તે દરમિયાન ગત તારીખ 24/04/2024ના રોજ રાત્રીનાં સમયે અજાણ્યા ચોર ઈસમો આ કોલોનીમાં ત્રાટકયા હતા અને એકસાથે સાત બંધ ઘરનાં તાળા તોડી ચોરી કરી ગયા હતા. જેમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ સર્વિસ લિમિટેડમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઉષાબેન મહેન્દ્રભાઈ પટેલે પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમાં તેમના ઘર ટાઈપ 3/247નાં દરવાજાનું નકોચું તોડી ઘરની અંદર પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ કબાટનું લોકર તોડી ચોર ઈસમો સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 89,500/-ની ચોરી કરી ગયા હતા.
જયારે ઉષાબેનને ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે, તેમના ઘરની સાથે હરિભાઈ વજેસિંગભાઈ વસાવા (રહે.ટાઈપ 3/315), યશવંતભાઈ ષણપતભાઈ સોલંકી (રહે.ટાઈપ 3/316) અને રાજુભાઈ મનજીભાઈ ભગોરા (રહે.ટાઈપ 3/221)નાં ઘરનાં પણ તાળા તૂટ્યા છે પરંતુ તેઓ તમામ લગ્ન પ્રસંગમાં બહારગામ હોવાથી તેમના ઘરમાંથી કઈ કઈ વસ્તુ ચોરાઈ તેની વિગતો મળી શકે તેમ નથી. જયારે ભવદીપભાઈ બાબુભાઈ પટેલ (રહે.ટાઈપ 3/206), રાકેશભાઈ વાય. સામુદ્રી (રહે.ટાઈપ 3/213) તથા નટુભાઈ ભાણાભાઈ પટેલ (રહે.ટાઈપ 3/325)નાં ઘરોનાં પણ તાળા તૂટ્યા હતા. પરંતુ તેઓના ઘરમાંથી કોઈ વસ્તુ ચોરાઇ નથી. ચોરીની ઘટનાને લઈ ઉકાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500