મનિષા એસ. સુર્યવંશી/તાપી ડોલવણનાં બરડીપાડા ગામનાં નિશાળ ફળિયામાંથી પોલીસને કારમાંથી વગર પાસ પરમિટે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જયારે પોલીસ ચોપડે કાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૫/૧૦/૨૦૨૪નાં રોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી વાહનમાં પ્રોહી. તથા જુગાર અંગેની પેટ્રોલીંગમાં નીકળેલા હતા.
તે દરમિયાન ડોલવણ ચાર રસ્તાથી જામલીયા ગામ તરફથી પીપલવાડા ગામ તરફ જતા બરડીપાડા ગામની સીમમાં નિશાળ ફળીયામાં આવતા સામેથી એક સફેદ ક્રિએટા કાર નંબર UP/14/CX/8855ની પુરઝડપે આવતા પોલીસ સ્ટાફે તે કારને રોકવા માટે ખાનગી વાહનો રોડ ઉપર ઉભા રખાવતા સામેથી આવતી ક્રિએટા કાર ચાલકે અચાનક પોતાની કાર રોડ ઉપર દુર ઉભી રાખી કાર પરત વાળવા જતા તે જગ્યાએ સાંકડો રોડ હોવાથી કાર રોડની સાઇડમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી. જેથી પોલીસ સ્ટાફના માણસો કાર ખાડામાં ઉતરી ગઈ તે જગ્યાએ દોડી પહોંચે તે પહેલા કાર ચાલક કારમાંથી ઉતરી રોડની આજુબાજુમાં જંગલ વિસ્તાર જેનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કી/ટીનની નાની બાટલીઓ કુલ નંગ ૧,૧૫૧ (કુલ ૫૧૪.૩૮૦ લીટર) મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧,૩૯,૬૬૪/- હતી. આમ, પોલીસે કાર, વગર પાસ પરમિટનો ઇંગ્લીશ દારૂ તથા ફાસ્ટટેગ ૨ નંગ મળી કુલ રૂપિયા ૬.૩૯,૬૬૪/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી ધર્મેશભાઈ ગામીતની ફરિયાદના આધારે ભાગી છૂટનાર જનાર કાર ચાલક આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીનાં વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500