ગુજરાતમાં મેઘરાજાએ રૂસણા લીધા હોવાથી અને આખો જુલાઇ અને ઓગસ્ટ વરસાદ વિહોણા ગયા હોવાથી જળસંકટના ભણકારા વાગી રહ્યા છે વરસાદ નહીં વરસતાં હવે ખેડૂતોની હિંમત પણ તૂટતી જાય છે દુષ્કાળ આંગણે પહોંચી ગયો હોય તેવા દ્રશ્યો દેખાઇ રહ્યા છે આગામી દિવસોમાં મેઘરાજા કૃપા નહીં કરે અને જારદાર વરસાદ નહીં પડે તો ડેમના તળિયા દેખાઇ જશે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં ૬૫ ટકા પાણીનો જથ્થો જ છે જે અપુરતો છે અને પીવાના પાણી અને સિંચાઇનું ગંભીર સંકટ ઊભું થઇ શકવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. ત્યારે આજે સવારે આશાના કિરણ સમાન સુરત શહેરના કેટલાક વિસ્તારો તેમજ શહેરને સંલગ્ન આવેલા ઓલપાડ, કામરેજ અને પલસાણા તેમજ ચોર્યાસી તાલુકો ઉપરાંત વલસાડના ઉમરગામમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો થઇ રહ્યા છે.
વધુ વિગતો મુજબ ગુજરાત સરકારના માથે નવી મુસીબત આવીને ઉભી છે એક તરફ કોરોના મહામારી જવાનું નામ લેતી નથી બીજી તરફ આ વર્ષે ચોમાસુ પણ નિષ્ફળ ગયું હોવાથી હયાત પાણીનું સરકારને પ્લાનિંગ કરવું પડે તેવી પરિસ્થિતિ છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણીના પોકારો ઊભા થયા છે. ત્યારે આજે સવારે ઓલપાડ તાલુકામાં ૧૬, મી.મી. પલસાણા ૩, મી.મી. કામરેજ ૩, મી.મી. સુરત સીટી ૨, મી.મી. સોનગઢ ૬,મી.મી. ઉમરગામ ૬,મી.મી. વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત સુરત શહેરમાં શહેરી વિસ્તારમાં અઠવા ઝોન ૪ મી.મી., સેન્ટ્રલ ઝોન૧ મી.મી., રાંદેર ૧ મી.મી.તેમજ ઉધના ઝોનના ઉધના પાંડેસરા સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હોવાના ફલડ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે.
વધુમાં ચોમાસાના પ્રારંભમાં દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર બાદ ચોમાસુ સોળ આની જવાની જગતાત ને અપેક્ષા હતી. પરંતુ એ અપેક્ષા ઠગારી નીવડી છે બે રાઉન્ડ બાદ વરસાદ હાથતાળી આપી જતા ક્યાંક સિંચાઇના તો ક્યાંક પીવાના પાણીની અછત ઊભી થવાની શક્યતા છે વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતોના પાક સુકાઇ રહ્યા છે. ઉકાઇ જળાશયમાં માત્ર ૬૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે બીજી તરફ હવામાન વિભાગની તમામ આગાહીઓ ખોટી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી આંકડાઓ મુજબ દક્ષિણ ગુજરાતમાં ૫૧.૪૧ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં ૩૧.૯૮ ટકા. મધ્ય ગુજરાતમાં ૩૭.૯૪ ટકા. સૌરાષ્ટ્રમાં ૩૭.૧૦ અને કચ્છમાં ૩૧.૭૪ ટકા વરસાદ થયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે છેલ્લા ૧૫ વર્ષમાં આ ખરાબ ચોમાસુ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યા છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500