Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત, ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તા બંધ

  • January 31, 2024 

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ થર જામી ગયા છે જેના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે. તો અટલ ટનલમાં 300 જેટલા પ્રવાસી ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે કિન્નૌર જિલ્લાના નાથપા પાસે ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલન થવાના કારણે શિમલા-રામપુર-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક નવું બુલેટિન બહાર પાડ્યું છે, જેમાં આ માહિતી આપવામાં આવી છે.


હિમવર્ષાના પગલે અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા છે. મનાલીમાં હિમવર્ષાના કારણે નેહરુ કુંડથી આગળ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુલાબા, પલચન સોલંગવેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ હિમવર્ષા થઈ છે. મનાલી શહેરમાં ગઈકાલે રાત્રે  પણ હિમવર્ષા થઈ હતી. હવે અહીં આજે સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર લાહૌલ સ્પીતિમાં ગત રાત્રિથી ભારે હિમવર્ષા થવાના કારણે રાજ્યના મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.


લાહૌલ સબડિવિઝનમાં 71 અને ઉદયપુર ડિવિઝનમાં 48 રસ્તાઓ બંધ કરાયા છે. આ સિવાય દારચા લેહ મનાલી હાઇવે, સરચુ હાઇવે, કાઝા ગ્રાનફૂ લોસર હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. લાહૌલમાં હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અટલ ટનલ નજીક છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીં અત્યાર સુધીમાં લગભગ એક ફૂટ સુધી બરફ પડ્યો છે. કુલ્લુ પોલીસે આ જાણકારી આપી છે. અહીં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. તેવી જ રીતે વીજ સેવાને પણ અસર થઈ છે અને ચંબા સહિત રાજ્યભરમાં 388 વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application