ગિરનારની લીલી પરિક્રમાનો કારતક સુદ અગિયારસથી વિધિવત પ્રારંભ થયો છે. પરિક્રમા રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે ત્યાંથી એક કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. લીલી પરિક્રમાના રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. ત્યારબાદ નાની બાળકીનું મોત નીપજ્યુ છે. આ કરૂણ સમાચાર ફેલાતા આખી પરિક્રમાના રૂટ પર દહેશતનો માહોલ છવાયો છે. આ સાથે મૃતક બાળકીના પરિવારજનો ભારે આક્રંદ કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ગિરનારની લીલી પરિક્રમાના રૂટ પર દીપડાની દહેશત વ્યાપી ગઇ છે. વહેલી સવારે બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે. ત્યારબાદ બાળકીનું મોત નીપજ્યુ છે. આ મૃતક બાળકી અમરેલી જિલ્લાની રહેવાસી છે. જયારે વહેલી સવારે બોરદેવી રાઉન્ડના બાવર કોટ વિસ્તારમાં 11 વર્ષનાં પાયલબેન લક્ષ્મણભાઈ સાખન નામની બાળકીને દીપડો ખેંચી ગયો હતો. ઘણાં સમય સુધી પરિવારે તેને જંગલમાં શોધી પરંતુ તેમને બાળકી કે દીપડો મળ્યો ન હતો.
ત્યારબાદ પરિવારે જંગલ વિભાગને જાણ કરી હતી. આ સમાચાર મળતાની સાથે જંગલ વિભાગ પણ ત્યાં પહોંચીને બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમની તપાસમાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જોકે, આ દુર્ધટના બાદ બાળકીના પરિવારમાં ભારે આક્રોશનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ગિરનારની લીલી પરિક્રમા દેવ દિવાળી એટલે કે, કારતક સુદ અગિયારસથી પ્રારંભ થઇ છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ માટે મોટા ભાગની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે. આ સાથે સિંહના ચિત્ર સાથે પરિક્રમાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, જંગલ અમારૂ ઘર છે, અમારા ઘરને ગંદુ કરશો નહીં. વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટના માર્ગનું મરામત પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશા સૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં પ્લાસ્ટિક કચરો જંગલમાં ન ફેકવો, ડિટરજન્ટ કે સાબુનો ઉપયોગ કરીને કુદરતી જળ સ્ત્રોતને પ્રદૂષિત કરવું નહીં, ગિરનારની જૈવિક વિવિધતાનું રક્ષણ કરવું ઉપરાંત પાણી પોઈંટ કેટલા અંતરે આવેલા તેના બોર્ડ મૂકવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500