વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ટુ-વ્હીલર ચોરી કરવા માટે આવતો આણંદનો યુવક ચોરીના સ્કૂટર સાથે ઝડપાઈ જતા તેની પાસેથી 14 સ્કૂટર મળી આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોત્રી સેવાસી રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરના કાળા રંગના સ્કૂટરને આંતરી પોલીસે સ્કૂટર ચાલકની પૂછપરછ તેમજ કાગળોની માંગણી કરતા તેણે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા.
પોલીસની તપાસમાં યુવક પાસે મળેલો સ્કૂટર ગોત્રી હરીનગર વિસ્તારમાંથી ચોરી થયેલું હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ દરમિયાન યુવકનું નામ સમીર જશુભાઈ ભાલાવત (રહે.આકલાવ, આણંદ) હોવાનું ખુલ્યું હતું. પોલીસની એક ટીમે આણંદ પોલીસનો સંપર્ક કરી તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરતા સમીર માલાવત અઠંગ વાહન ઉઠાવગીર હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરાના ગોત્રી, અટલાદરા, ગોરવા, લક્ષ્મીપુરા જેવા વિસ્તારોમાં વારંવાર આવી સ્કૂટર ચોરી જનાર સમીરે જે લોકોને સંસ્થામાં સ્કૂટર વેચ્યા હતા તેમની પાસેથી પોલીસે સ્કૂટર કબજે લીધા હતા. સમીર પાસેથી શહેરના 14 પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ખુલ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500