ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદના બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં અમદાવાદ જિલ્લા પંચાયત તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો માટે આયોજિત ચિંતન શિબિરને સંબોધતા કહ્યું કે, “ ભારતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો છે અને તેના પરિણામે હવે દેશમાં કાર્ય આધારિત આને વિકાસ આધારિત રાજનીતિનો વિચાર ફળીભૂત થયો છે.
આ અવસરે મંત્રીએ પ્રધાનમંત્રીશ્રી સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, જ્યારે શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જે અવિરત વીજપુરવઠા ઉપ્લબ્ધ બને છે, તે જ વીજપુરવઠો દરેક ગામમાં પણ ઉપ્લબ્ધ બને તે સંકલ્પના સાથે જ્યોતિગ્રામ યોજના અમલી બનાવી હતી, જે સમગ્ર દેશમાં આજે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે.
ચિંતન શિબિરમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓને પ્રેકર ઉદબોધન કરતાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, આપણને ઈશ્વરે પ્રજાકીય કાર્યો માટેની તક આપી છે, તે તક આપણે જતી ન કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જે જનપ્રતિનિધિ પ્રજાકીય કામ કરે છે, તેને પ્રજા હ્રદયમાં સ્થાન અને આદર જરૂર આપે છે.મંત્રીએ પંચાયત સદસ્યોને ગામ,તાલુકા અને જિલ્લાના વિકાસના કામો માટે સૌને સાથે મળીને આયોજન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પક્ષાપક્ષીથી પર રહીને વિકાસ કાર્યો કરવા તાકીદ કરી હતી.
આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોને વિકાસ કાર્યો માટેની બ્લુ પ્રિન્ટ બનાવવાની ભલામણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જનતાએ આપણી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આપણું એ ઉત્તરદાયિત્વ છે કે આપણે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરીએ.સંચારમંત્રીએ કહ્યું કે, ભારત એ માત્ર ભૌગોલિક નકશો નથી, પણ રાજ્યોનો સમૂહ છે. અને આ રાજ્યનો પાયો નાગરિક છે. તેથી આપણે રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે નાગરિક સશક્તિકરણનું કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે જનપ્રતિનિધિઓને મજબૂત-સશક્ત બનાવવા માટે ચિંતન શિબિર એ ઉત્તમ માધ્યમ છે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી જિલ્લાના વિકાસ આયોજન અંગેની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દર્શન શાહે પણ આ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500