ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના તહેસીલ પરિસરમાં આજે બુધવારે એક વકીલની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. મૃતક વકીલની ઓળખ મોનુ ચૌધરી તરીકે થઈ છે. મોનુ ચૌધરી તહસીલ બાર એસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે.
ઘટના સમયે વકીલના ચેમ્બરમાં ચાર લોકો હાજર હતા અને મોનુ ચૌધરી લંચ કરી રહ્યા હતા. આ દરમિયાન બે લોકો ચેમ્બરમાં ઘૂસ્યા અને મોનુને ગોળી મારી દીધી. ત્યારબાદ બદમાશો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. વકીલની હત્યા કયા કારણોસર થઈ તે અંગે હજુ સુધી ખુલાસો નથી થયો.
સૂચના મળતા જ પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસ તહેસીલની આસપાસ લાગેલા CCTVની તપાસ કરી રહી છે અને આરોપીઓની તલાશ કરવામાં આવી રહી છે. આ ઘટના આજે બપોરે લગભગ 2:00 વાગ્યે બની હતી. પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, અંતે હુમલાખોરો કોણ હતા અને કેટલા હતા. અધિક પોલીસ કમિશનર દિનેશ કુમાર પી, ડીસીપી નગર નિપુણ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500