રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં છે અને ગઈકાલે રાજ્યમાં કોરોના દર્દીઓનો સાજા થવાનો રિવકરી રેટ ૯૭.૪૮ ટકા જેટલો થયો છે.
કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીશ્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિતચિંતક રહ્યા છે. ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણકારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે.
આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું. આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓનો આભાર માન્યો છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500