ઓસ્કાર એવોર્ડ-2025ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ એવોર્ડનાં નોમિનેશન માટે ભારતમાંથી 29 ફિલ્મોની યાદીમાંથી ‘લાપતા લેડીઝ’ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ વાતની પુષ્ટી પણ કરી દીધી છે. હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને એવોર્ડના નોમિનેશન માટે ભારતમાંથી 29 ફિલ્મોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બોલિવૂડની ‘એનિમલ’, મલયાલમ નેશનલ એવોર્ડ વિજેતા ‘આત્તમ’ અને કાન્સની વિજેતા 'ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ'નો પણ સમાવેશ થાય છે.
આસામી દિગ્દર્શક જાહનુ બરુઆની અધ્યક્ષતા હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત ‘લાપતા લેડીઝ’ને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મે તમિલ ફિલ્મ ‘મહારાજા’, તેલુગુ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ અને ‘હનુ-માન’ને પણ પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે, 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' અને 'આર્ટિકલ 370' પણ 29 ફિલ્મોની યાદીમાં સામેલ હતી. ‘લાપતા લેડીઝ’નું દિગ્દર્શન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું અને આમિર ખાને પ્રોડ્યુસ કર્યું હતું. આમાં પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નિતાંશી ગોયલ મુખ્ય ભૂમિકામાં હતા.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રવિ કોટ્ટારકારાએ જ્યુરી સભ્યોનો મીડિયા સમક્ષ પરિચય કરાવ્યો હતો. ગયા વર્ષની એન્ટ્રી જુડ એન્થોની જોસેફની ફિલ્મ 2018 હતી, જે 96માં ઓસ્કાર એવોર્ડની શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શકી ન હતી. જોકે 95માં ઓસ્કારમાં ભારતનું પરફોર્મન્સ શ્રેષ્ઠ હતું, કારણ કે એસએસ રાજામૌલીના RRRનાં ગીત નટુ નટુને શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો ઓસ્કાર મળ્યો હતો. કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ડોક્યુમેન્ટ્રી ધ એલિફન્ટ વ્હીસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ) કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500