મણિપુરનાં નોની જિલ્લામાં ચાલતા રેલવે બાંધકામ નજીક ભયાનક ભૂસ્ખલન થતાં 8નાં મોત થયા હતા અને 72 લાપતા થયા છે. મૃતકોમાં ટેરિટોરિયલ આર્મીનાં 7 જવાનોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં વીજળી પડતાં બે બાળકો સહિત 4નાં મોત થયા હતા, 5ને ઈજા પહોંચી છે. બીજી તરફ આસામમાં પૂરની સ્થિતિ યથાવત છે અને વધુ 12નાં મોત થયા હતા.
ભારતીય સૈન્યના અધિકારીઓએ કહ્યું હતું કે, મણિપુરનાં નોની જિલ્લામાં ટૂપલ રેલવે સ્ટેશન પાસે રેલવેનાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું. એ વખતે ભયાનક ભૂસ્ખલન થતાં ટેરિટોરિયલ આર્મીના 7 જવાનો સહિત 8નાં મોત થયા હતા. જયારે 72 ગુમ થઈ જતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. ગુમ થયેલાઓમાં 43 ટેરિટોરિયલ આર્મીના જવાનો છે. મોટાપાયે ભૂસ્ખલન થતાં ઈજાઈ નદી બંધ થઈ ગઈ હતી. કેટલાક લોકો નદીમાં તણાઈ ગયા હોવાનું કલેક્ટરે કહ્યું હતું. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આકાશી વીજળી પડવાના 4 બનાવો બન્યા હતા. એમાં બે બાળકો સહિત કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 5ને ઈજા પહોંચી છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો. મધ્યપ્રદેશના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી થઈ છે. દરમિયાન દિલ્હીમાં બેથી ચાર ઈંચ સુધી વરસાદ પડયો હતો.
દિલ્હીમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થયું છે. ભારે વરસાદના કારણે અસંખ્ય રસ્તાઓમાં પાણી ભરાયા હતા અને રસ્તા બંધ થઈ જતાં અનેક લોકો અધવચ્ચે ફસાયા હતા. કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો હતો. તેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. મેંગ્લુરુમાં શાળા-કોલેજો વરસાદના કારણે બંધ રાખવાની જાહેરાત થઈ હતી.
ચોથી જુલાઈ સુધી આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ જારી કરાયો છે. આસામમાં પૂરપ્રકોપની સ્થિતિ યથાવત છે. વરસાદી અને પૂરની ઘટનાઓમાં વધુ 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચોમાસા દરમિયાન કુલ મૃત્યુ આંક 151 થયો હતો. 26 જિલ્લાના 31 લાખ કરતા વધુ લોકો પૂરપ્રભાવિત બની ગયા છે. બ્રહ્મપુત્ર નદીના કાંઠે આવેલા કેટલાય જિલ્લાઓને ડેન્જર ઝોન જાહેર કરાયા છે. એ સિવાયની આસામની ઘણી નાની-મોટી નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500