Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા-સાપુતારા માર્ગ પર યોગેશ્વર ઘાટના વોટર ફોલ પાસે ભૂસ્ખલન થતાં વાહન વ્યવહાર ઠપ થયો

  • July 29, 2023 

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે જિલ્લા પંચાયત હસ્તકનાં 15થી વધુ કોઝવેકમ પુલ ઊંડા પાણીમાં ગરક થઈ જતા 30થી વધુ ગામ વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામાં ગુરૂવારનાં રાત્રિનાં અરસાથી શુક્રવારે દિવસ દરમિયાન ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ પડતા જિલ્લાની લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા તેમજ ધોધડ નદી બંને કાંઠે થઈ વહેતી થઈ હતી. ડાંગમાં વરસાદને પગલે ગીરાધોધ વઘઇ, ગિરમાળનો ગીરાધોધ, વનદેવીનો યુ-ટર્ન નેકલેસ સહિત ઝરણાઓ અને વહેળાઓ પાણીની આવક સાથે ઓવરફ્લો થયા હતા. ગિરિમથક સાપુતારામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદની સાથે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતુ.



ધોધમાર વરસાદનાં પગલે મોડી રાત્રે આહવા-સાપુતારા માર્ગ પર યોગેશ્વર ઘાટના વોટર ફોલ પાસે ભૂસ્ખલન થયું હતું. અહી મોટા પ્રમાણમાં શીલાઓ અને મલબો ધસી પડતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. જોકે વહીવટી તંત્રના લાશ્કરોએ આ મલબો હટાવતા આ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો થયો હતો. અનરાધાર વરસાદને પગલે જિલ્લાનાં 15 જેટલા કોઝવે કમ પુલ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા દિવસ દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓને આ માર્ગોનો ઉપયોગ નહીં કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. આ માર્ગો બંધ થતા 30થી વધુ ગામો જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બની પ્રભાવિત થયા હતા. આ ગામોનો નોકરીયાત, વિદ્યાર્થી વર્ગ સહિત તમામ લોકોએ હાલાકી વેઠવી પડી હતી.




વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા માર્ગો...

આંબાપાડા વી.એ.રોડ, ખાતળ ફાટકથી ધોડી રોડ, માછળી ચિખલા દિવડ્યાવન રોડ-1, માછળી ચિખલા દિવડ્યાવન રોડ-2, વાઝટઆંબા કોયલીપાડા રોડ, પાતળી ગોદડિયા રોડ, કાલીબેલ પાંધરમાળ વાંકન રોડ, ઘોડવહળ વી.એ.રોડ, આહેરડી બોરદહાડ રોડ, ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-1, બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-2, કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ, કડમાળથી દહેર રોડ અને કેશબંધ-જામલા-બીલીઆંબ કોઝવેકમ પુલ ઊંડા પાણીમાં ગરક થતા વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application