મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બાહ્ય વિસ્તારોમાં એક કેમ્પગ્રાઉન્ડ (પ્રવાસ શિબિર સ્થળ)માં ગુરૃવાર મોડી રાતે થયેલા ભૂસ્ખલનમાં 18 લોકોનાં મોત થયા છે અને 15 લોકો લાપતા થયા છે. આ 15 લોકો ભૂસ્ખલનના કાટમાળમાં દટાયા હોવાની શંકા છે. તેમના શોધીને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 90થી વધુ લોકો એક ઓર્ગેનિક ફાર્મમાં ઉંઘી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઓર્ગેનિક ફાર્મથી લગભગ 30 મીટર (100 ફૂટ) ઉપર અને લગભગ 1 હેક્ટર (3 એકર)માં સડકથી માટી પડી હતી.
અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, જમીનનાં માલિકો પાસે કેમ્પ ગ્રાઉન્ડ ચલવવાની મંજૂરી ન હતી. જિલ્લા પોલીસ પ્રમુખ તરીકે સુફિયાન અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અનેક લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. લિયોંગ જિમ મેંગે જણાવ્યું હતું કે, તે અને તેમનો પરિવાર એક જોરદાર અવાજને પગલે જાગી ગયા હતાં. મલેશિયામાં હાલમાં ચોમાસાની ઋતુ છે.
જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વરસાદ પણ થયો ન હતો. મલેશિયન સરકારના વિકાસ પ્રધાન નગા કોર મિંગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં નદીઓ, ધોધ અને પર્વત પાસે આવેલા કેમ્પ એક સપ્તાહ સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. બચાવ અભિયાનમાં 400થી વધુ કર્મીઓ અને ટ્રેકીંગ કૂતરાઓની મદદ લેવામાં આવી રહી છે. મલેશિયાનાં વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ પણ દુર્ઘટના સ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500