પુણેની સસૂન હોસ્પિટલમાંથી ભાગી ગયેલા ડ્રગ કેસના રીઢા ગુનેગાર લલિત પાટીલની મુંબઇ પોલીસે બુધવારે રાતે બેંગલુરુ નજીકથી ધરપકડ કરી છે. અંધેરી કોર્ટમાં આજે પાટીલને હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. સાકીનાકા પોલીસને ટીમે લલિતને બેંગલુરુ અને ચેન્નાઇ વચ્ચેની એક હોટેલમાંથી પકડી લીધો હતો. મુંબઇ, નાશિક, પુણે પોલીસ લલિતની શોધખોળ કરી રહી હતી. આમ છતાં સસૂન હોસ્પિટલમાંથી પલાયન થયા બાદ પાટીલ અનેક દિવસ નાશિકમાં હતો. પછી તે ઇંદોર અને ત્યાંથી ગુજરાતના સુરત ગયો હતો. ત્યારબાદ ફરી નાશિક, ધૂળે, ઔરંગાબાદ થઇ કર્ણાટક પહોંચ્યો હતો. બેંગ્લુરુથી ચેન્નાઇ જતી વખતે સાકીનાકા પોલીસે તેને પકડી લીધો હતો. ચૈન્નઇથી લલિત શ્રીલંકા જવાનો હતો. ફરાર લલિત પાટીલ સાકીનાકા પોલીસે ગોઠવેલી જાળમાં ફસાઇ ગયો હતો. સાકીનાકા પોલીસના તાબામાં રહેલા એક શખસને નવા નંબર પરથી લલિતે ફોન કર્યો હોવાનું કહેવાય છે.
સાકીનાકા પોલીસે અત્યંત ગુપ્તતા રાખીને લલિતની શોધખોળ માટે ત્રણ ટીમ બનાવી હતી. આ દરમિયાન પોલીસ પાટિલની ગતિવિધિની માહિતી મેળવી રહી હતી. છેવટે તે એક હોટેલમાં રોકાયો હતો. ત્યાં છટકું ગોઠવીને પાટીલની ધરપકડ કરાઇ એમ જાણવા મળ્યું છે. પુણે પોલીસે અગાઉ ડ્રગ કેસમાં લલિત પાટીલની ધરપકડ કરી હતી. તેને યેરવડા જેલમાં રાખવામાં આવ્યો હતો. બિમારીનું નાટક કરતા પાટીલને સસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી જ તે ડ્રગ રેકેટ ચલાવતો હતો. 30 સપ્ટેમ્બરાન લલિતના બે સાથીદાર સુભાષ મંડલ અને રૌફ શેખ સસૂન હોસ્પિટલના પ્રવેશદ્વાર પર રૂ.2 કરોડના મેફેડ્રોન સાતે પકડાયા હતા. આ મામલામાં લલિતની સંડોવણી સામે આવી હતી. બીજી ઓક્ટોબરના હોસ્પિટલમાં એક્સ-રે માટે લઇ જતી વખતે લલિત પોલીસ બંદોબસ્ત વચ્ચેથી નાસી ગયો હતો. જેના કારણે પોલીસની કામગીને લઇને સવાલ ઉભા થયા હતા. આ મામલામાં અમૂક પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પોલીસે ડ્રગ રેકેટમાં વધુ માહિતી મેળવવા માટે લલિત, તેના ભાઇ ભૂષણ પાટીલ, અને અન્ય આરોપીના ઘરે દરોડા પાડી મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ કબજે કર્યા હતા. સાકીનાકા પોલીસે ડ્રગ ખરીદી અને વેચાણના સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો એમાં પણ લલિત પાટીલ સામેલ હતો. સાકીનાકા પોલીસે ગત 8 ઓગસ્ટના માહિતીના આધારે અનવર સૈયદને 10 ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો. તેની પૂછપરછ બાદ અન્ય આરોપીઓને પકડવામાં આવ્યા હતા. છેલ્લે કલ્યાણના રેહાન અને તેના સાથીદાર અસમતની ૧૫ કિલો એમ.ડી.ડ્રગ સાથે ધરપકડ કરાઇ હતી. આરોપી રેહાન નાશિકના જિશાન શેખ પાસેથી મેફેડ્રોન ખરીદતો હતો. નાશિકમાં શિંદે એમઆઇડીસી પ્લોટ નં. ૩૫માં ફેક્ટરીમાં આ મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. આ ફેક્ટરીમાં જિશાન કામ કરતો હતો. પોલીસે આ ફેક્ટરી પર દરોડો પાડી જિશાનને પકડયો હતો. પોલીસે આ કાર્યવાહી વખતે ૩૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું.
સાકીનાકા પોલીસે અત્યાર સુધી 15 આરોપી અનવર સૈયદ (ઉ.વ.42), જાવેદ ખાન (ઉ.વ.27), આસિફ શેખ (ઉ.વ.30), ઇકબાલ અલી (ઉ.વ.30), સુંદર શકીનીવેલ (ઉ.વ.44), હસન શેખ (ઉ.વ.43), આરિફ શેખ (ઉ.વ.42), આયુબ સૈયદ (ઉ.વ.32), નાસીર શેખ ઉર્ફે ચાચા (ઉ.વ.58), અજુહર અંસારી (ઉ.વ.32), રેહાન અંસારી (ઉ.વ.26), જિશાન શેખ (ઉ.વ.34), શિવાજી શિંદે (ઉ.વ.40), રોહીતકુમાર ચૌધરી (ઉ.વ.31), અને લલિત અનિલ પાટીલ (ઉ.વ.37)ની ધરપકડ કરી છે. જ્યારે પુણે પોલીસે ઉત્તરપ્રદેશથી લલિતના ભાઇ ભૂષણ પાટીલ અને તેના સીથાદાર અભિષેક બલકવડે પકડયા હતા. હવે મુંબઇ પોલીસ કદાચ ભૂષણ પાટીલને તાબામાં લઇ શકે છે. સાકીનાકા પોલીસ સ્ટેશનમાંથી મેડિકલ તપાસ માટે લઇ જતી વખતે ન્યૂઝ ચેનલના કેમેરામાં લલિત પાટીલ કેદ થઇ ગયો હતો. દરમિયાન તેણે ખળભળાટ મચાવતો આરોપ કર્યો હતો. ડ્રગ માફિયા લલિત પાટીલે દાવો કર્યો હતો કે હું ટુંક સમયમાં મીડિયા સાથે વાત કરીશ. હું સસૂન હોસ્પિટલમાંથી ભાગ્યો ન હતો. પણ મને ત્યાંથી ભગાડવામાં આવ્યો હતો હું બધું જ કહીશ કે આમાં કોનો હાથ છે. આરોપી લલિત પાટીલે આજે શું કહ્યું હતું એની પુણે પોલીસ તપાસ કરશે. અમારો કેસ ડ્રગ્સ સંબંધિત છે, એમ મુંબઇ પોલીસે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025