ઉત્રાણના આદિત્ય રો હાઉસમાં રહેતા ઓલપાડના નાયબ મામલતદારના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી સોનાના પટાવાળી ઘડિયાળ સહિતના દાગીના અને રોકડ મળી કુલ રૂ.4.48 લાખની મત્તા ચોરીને ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે પાંચ ચોક સીસીટીવીમાં કેદ થઇ જતા તેના આધારે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ભાવેશ પ્રવિણ ઇટાલીયા (ઉ.વ. 36 મૂળ રહે. બહારપરા, પાલીતાણા, જિ. ભાવનગર) ઉત્રાણ સ્થિત આદિત્ય રો હાઉસમાં રહે છે. ગત 29 માર્ચે સાંજે 7 વાગ્યે પત્ની દિપાલી અને પુત્ર આદી તથા પુત્રી માન્યા સાથે બારડોલી નજીકના સેવણી ગામ ખાતે ફાર્મ હાઉસ ગયા હતા. જયારે તેના માતા-પિતા મોટા વરાછા ખાતે રહેતા મોટા ભાઇના ઘરે રોકાવા ગયા હતા. આ દરમિયાન નાયબ મામલતદારના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી બેડ રૂમના કબાટની તિજોરી તોડી તેમાંથી સોનાના પટાવાળી ઘડિયાળ કિંમત રૂ. 48 હજાર, 4 નંગ વીંટી રૂ. 36 હજાર, સોનાનું બ્રેસલેટ રૂ. 24 હજાર, માળા, બુટ્ટી તથા રોકડા રૂ. 36 હજાર મળી કુલ રૂ. 4.48 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.
સેવણી ખાતે રાત રોકાયેલા નાયબ મામલતદાર અને તેની પત્નીને પડોશીએ બીજા દિવસે સવારે ઘરનો દરવાજો ખુલ્લો અને ચોરી થઇ હોવાની જાણ કરતા તુરંત જ તેઓ સુરત દોડી આવ્યા હતા. ઘટના અંગે ઉત્રાણ પોલીસે ચોરીની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મધરાત બાદ ચોરી કરવા ત્રાટકનાર પાંચ ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયા છે અને તેના આધારે પોલીસે ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500