તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના ભક્તોને આપવામાં આવતા લાડુમાં બીફ અને ડુક્કરની ચરબીનો વિવાદ શુક્રવારે વકર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે આંધ્ર સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આવા સમયે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે શુક્રવારે જણાવ્યું હતું કે, ઘી સપ્લાયરોએ ઘીની ગુણવત્તા ચકાસવા માટે ઈન-હાઉસ કોઈ સુવિધા નહીં હોવાનો અને બહાર પરીક્ષણ નહીં કરાવવાનો લાભ લીધો હતો. બીજીબાજુ લાડુમાં ભેળસેળનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. વકીલ સત્યમ સિંહે આ અંગે અરજી દાખલ કરી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના અધિકારી જે. શ્યામલ રાવે જણાવ્યું હતું કે, લેબ ટેસ્ટમાં લાડુના સેમ્પલમાં બીફ અને ડુક્કરની ચરબીની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
તિરુપતિ મંદિરમાં ઘીની ગુણવત્તા ચકાસવા માટે ઈન-હાઉસ લેબ નહીં હોવાથી અને બહારની લેબ્સમાં ટેસ્ટિંગ માટે ખૂબ જ ઊંચા ભાવ હોવાથી ભક્તોને અપાતા લાડુમાં ઉપયોગમાં લેવાતા ઘીની ગુણવત્તા ચકાસવામાં આવતી નહોતી. આ બાબતનો ઘી સપ્લાયરે ફાયદો લીધો હતો. બીજીબાજુ મંદિર તંત્રના એક પૂર્વ અધિકારીએ વિરોધાભાસી દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, શુદ્ધ દેસી ઘી માટે ટ્રસ્ટના પ્લાન્ટમાં ૫૫૦ ગાયો છે. મંદિરમાં આવતા ઘીની તપાસ પણ થાય છે. ટીટીડી મૈસૂરના સીએફટીઆરઆઈ લેબની મદદથી પણ ઘીની ગુણવત્તા ચકાસે છે. વિશ્વભરમાં પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં પ્રત્યેક વર્ષે લાખો ભક્તો ભગવાન વેંકટેશના દર્શને આવે છે ત્યારે ભક્તોને અપાતા લાડુમાં ડુક્કરની ચરબી અને બીફની ભેળસેળ થતી હોવાના અહેવાલોથી ભારે હોબાળો મચ્યો છે.
જોકે એઆર ડેરી પ્રોડક્ટ લિ. દ્વારા પૂરું પાડવામાં આવતા ઘી પર આંગળી ચિંધવામાં આવે છે ત્યારે કંપનીનું કહેવું છે કે તે કોઈપણ તપાસ માટે તૈયાર છે. તેના ચાર ટ્રક ઘીમાં કોઈ ફરિયાદ નહોતી. પાંચમા ટ્રકને રોકવામાં આવ્યો હતો. મંદિર તંત્રે આ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને તેની સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદવાળા લાડુમાં જાનવરોની ચરબી અને માછલીના તેલની ભેળસેળનો વિવાદ વકરતો જાય છે. હવે કેન્દ્ર સરકારે આ મુદ્દે આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. આ મુદ્દે તમામ રાજકીય પક્ષોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને ડેપ્યુટી જન સેના પાર્ટીના નેતા પવન કલ્યાણે વાયએસઆરસીપીની ઝાટકણી કાઢી હતી અને જગન મોહન રેડ્ડી પર મંદિર અને સનાતન ધર્મને અપવિત્ર કરવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય મસાચવિ સંજય બંડીએ પણ આ બાબતને 'અક્ષમ્ય પાપ' ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે અન્ય ધર્મોના કેટલાક લોકોને ટીટીડીના બોર્ડમાં સામેલ કરી શકાય તે માટે પ્રસાદના લાડુમાં ભેળસેળ કરવામાં આવી હતી. ભાજપ સાંસદ અને ટીટીડીના પૂર્વ સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ તો પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાની માગણી કરી હતી. દરમિયાન લાડુનો આ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
વકીલ સત્યમ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ બાબતમાં દખલ કરવાની માંગ કરી છે. અરજીમાં આરોપ મૂકાયો છે ક, પ્રસાદમાં ભેળસેળ હિન્દુ ધાર્મિક રીત રિવાજોનો ભંગ કરે છે અને અગણિત ભક્તોની ભાવનાઓને આઘાત પહોંચાડે છે.આ ભારતીય બંધારણની કલમ ૨૫નો ભંગ છે. આ સિવાય અરજીમાં સુપ્રીમ કોર્ટના અનેક ચૂકાદાઓ પણ ટાંકવામાં આવ્યા છે. તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુના ઘીમાં ભેળસેળના વિવાદમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમણે ઘીનો સપ્લાયર બદલી નાંખ્યો છે. હવે કર્ણાટકની નંદિની બ્રાન્ડનું ઘી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે. નાયડુએ કહ્યું કે, બજારમાં ઘીનો ભાવ પ્રતિ કિલો રૂ.૫૦૦ હતો તો જગન મોહન સરકારે ખરાબ ગુણવત્તાનું ઘી પ્રતિ કિલો રૂ.૩૨૦ના ભાવે ખરીદ્યું. ઘી સસ્તુ હોવાથી સરકારે ભેળસેળવાળુ ઘી ખરીદ્યું.
બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે, પ્રસાદ બનાવવા માટે દૈનિક સરેરાશ ૧૫,૦૦૦ કિલો ઘીની જરૂર પડે છે. તેમણે ઘીનો સપ્લાયર બદલી નાંખ્યો, કારણ કે તેની કિંમત રૂ.૧,૦૦૦થી થોડી વધુ હતી અને તેમણે નવા સપ્લાયર પાસેથી રૂ.૩૬૦-૪૦૦માં ઘી ખરીદવાનું શરૂ કર્યું. તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુના ઘીમાં ભેળસેળનો આરોપ મૂકાયો છે ત્યારે કેટલાક નિષ્ણાતો મુજબ કેટલાક સંજોગોમાં સેમ્પલ રિપોર્ટમાં ખામી હોવાની પણ સંભાવના છે. જેમ કે, સેમ્પલમાં ખૂબ જ નબળી ગાયોનું દૂધ લેવાયું હોય, વાછરડાને જન્મ આપ્યા પછી તુરંત દૂધ લીધું હોય, ગાયના દૂધમાં અન્ય જાનવરોના દૂધની ભેળસેળ કરી હોય, વધુ તલ, કઠોળ ખવડાવાયેલી ગાયનું દૂધ હોય, ગાય બીમાર હોય અથવા ગાયને કોઈ પ્રકારના કેમિકલ્સ અપાયો હોય તો આવા સંજોગોમાં સેમ્પલ રિપોર્ટમાં ખામી હોવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024