એલ.આર.ડી. (લોકરક્ષક દળ)માં બેરોજગાર યુવાનો દ્વારા બોગસ નિમણુક પત્રના આધારે નોકરી મેળવવાના રાજ્યવ્યાપી ચકચારી કૌભાંડમાં રાજકોટની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઠ શખ્સોને રાત્રે ઝડપીલેવામાં આવ્યા હતા.પૈસાનો વહીવટ કરીને આશરે 28 શખ્સોએ બોગસ નિમણુક પત્રો મેળવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું જે પૈકી 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. આ પહેલા ગુરૂવારે ચોટીલાની યુવતી સહિત ચાર શખ્સો અને તે પહેલા ત્રણ સહિત સાત શખ્સો પકડાયા હતા જેમને રિમાન્ડ પર લેવાયા છે અને ધરપકડનો આંક 15 ઉપર પહોંચ્યો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ.અનિરૂધ્ધસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા ચાલતી તપાસમાં ખુલ્યા પ્રમાણે એલ.આર.ડી.ની ભરતી પ્રક્રિયા તો ફેબુ્રઆરીમાં પૂરી થઈ ગઈ હતી, આરોપીઓ જાણતા હતા કે તેમનું નામ વેઈટીંગમાં પણ આવ્યું નથી છતાં દલાલોને રૂ। 3 લાખથી માંડીને 6 લાખ સુધીની રકમ આપીને સરકારી નોકરીના બોગસ નિમણુક પત્રો મેળવીને ગુનો આચર્યો હતો. આ નિમણુક પત્રો ગત બે માસમાં મેળવાયા છે અને આરોપીઓ નોકરીમાં હાજર નથી થયા પરંતુ, પોલીસ મથકે પોલીસે તેમને હાજર કર્યા છે.
પકડાયેલા શખ્સોના નામ
(1)શૈલેષ દિનેશભાઈ નગડકીયા (રહે.બરવાળા તા.જસદણ) (2) સિધ્ધાર્થ ભાનુભાઈ સોનારા (રહે.રાધેશ્યામ સોસાયટી, રાજકોટ) (3) હિતેશ જેન્તીભાઈ કુકડીયા (રહે.બરવાળા તા.જસદણ), (4) રવિ હરીભાઈ રોજાસરા (રહે.લાખાવળ, તા.જસદણ),(5) હર્દીશ નાજાભાઈ વાઘેલા (રહે.ખાનપર તા.બાબરા જિ.અમરેલી) (6) બહાદુર કાંતિભાઈ સોરાણી (રહે.ડોકળવા તા.ચોટીલા) (7) દિનેશ ગગજીભાઈ માલકીયા (રહે.હિરાસર તા.ચોટીલા) અને (8) વિજય માનસીંગભાઈ ખોરાણી (રહે.ચિરોડા તા.ચોટીલા)નો સમાવેશ થાય છે જેમને રાજકોટ લાવીને પી.આઈ.વાય.બી.જાડેજાના માર્ગદર્શનમાં પુછપરછ હાથ ધરાઈ છે. આ શખ્સોને પણ રિમાન્ડ માટે રજૂ કરાશે.
આ પહેલા આ ચકચારી કૌભાંડમાં પ્રદિપ મકવાણા (રહે.શીવરાજપુર) અને બે દલાલો ભાવેશ મકવાણા તથા તેના ભાઈ બાલા (રહે.બરવાળા તા.જસદણ)ની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ પર લેવાયા હતા. બાદમાં બોગસ નિમણુક પત્રો ખરીદનાર ઉમેદવારોને પોલીસમાં હાજર થવાની સૂચના આપનાર સીમા સાકરીયા (રહે.કુંઢડા તા.ચોટીલા) સહિત ચાર શખ્સોની ધરપકડ કરાઈ હતી. આરોપીઓ દેવરાજ ઉર્ફે દેવો જગાભાઈ અને હિતેષ દુમાદીયાએ નકલી નિમણુક પત્રો તૈયાર કરાવીને ઉમેદવારની આર્થિક ક્ષમતા મૂજબ શારિરીક કસોટીમાં નાપાસ ઉમેદવારોનો સંપર્ક સાધીને લાખો રૂ।.ની રકમ પડાવી હતી અને કૌભાંડ બહાર આવતા બન્ને નાસી ગયા હતા. જેમને પકડવા તપાસ જારી છે.બોગસ નિમણુક પત્રો ખરીદનાર ઉમેદવારોને સીમા કોલ કરીને પોલીસમાં હાજર થઈ જવા સૂચના આપતી હતી અને તેની અગાઉ ધરપકડ કરાઈ હતી.પોલીસે આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયા છે,કઈ રીતે કાવત્રાને અંજામ આપ્યો ,કેટલા ઉમેદવારો પાસેથી કૂલ કેટલી રકમ પડાવી છે,તે રકમમાં કોને કેટલી રકમ મળી છે વગેરે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500