નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા જિલ્લાના ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતી તેમજ પશુપાલનને લગતી વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવે છે. ખેડુતો માટે રોજગારીની નવી તકો ઊભી થાય એ હેતુથી કેન્દ્ર દ્વારા "ઓયસ્ટર મશરૂમની ખેતી" વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમાં ૧૮૦થી વધુ ખેડૂત તાલીમાર્થીઓએ યુ-ટ્યુબ અને ગુગલમીટના માધ્યમથી ભાગ લીધો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.સી.કે.ટીંબડીયાએ માનવીના સ્વાસ્થ્ય માટે મશરૂમ સેવનના મહત્વ અંગે માર્ગદર્શન આપી યુવાઓને મશરૂમની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. જે. એચ. રાઠોડે મશરૂમની દેશવિદેશમાં માંગ હોવાથી ખેડૂતોએ મશરૂમની ખેતી કરી એક નવતર પ્રયોગ કરવો જોઈએ, જેથી ખેડૂતોને વધારાની આવક મળે એમ જણાવી આ ખેતીમાં રહેલી તકો અંગે વિગતો આપી હતી.
કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરિયાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો.એસ.એમ.ચવાને મશરૂમની જુદી-જુદી જાતો અને ઓયસ્ટર મશરૂમની ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક(પાક સંરક્ષણ) ડો.એસ.કે.ચાવડાએ મશરૂમની ખેતીમાં આવતા રોગ જીવાતો, સમસ્યાઓ અને તેના નિરાકરણના પગલાઓ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500