કલા અને સંસ્કૃતિ માટે વિશ્વ વિખ્યાત ભારતમાં વસતા વિવિધ પ્રદેશ અને જાતિના લોકો પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેનો આધાર ત્યાંની કલા, બોલી, ખાનપાન, વેશભૂષા અને વ્યાપાર છે. આવા અનેક પ્રાંતોની હસ્તકલાના પ્રદર્શન અને વેચાણ માટે સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે પાંચ દિવસીય ક્રાફ્ટરુટ પ્રદર્શનને શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દેશભરના વિવિધ રાજયોમાંથી આવેલા કલાકારીગરો વચ્ચે કચ્છ જિલ્લાનાં ભુજથી આવેલા ૪૫ વર્ષીય રાજીબેન વણકર રિસાયકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવેલી ફેન્સી બેગ્સ થકી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોતાની અનોખી કલા વિષે રાજીબેન જણાવે છે કે, વણાટ અમારો પેઢીગત વ્યવસાય છે.
જેમાં અમે સાડીનું વણાટકામ કરતા હતા. પરંતુ ૧૫ વર્ષ પહેલા એક વિદેશી મહિલાની પ્રેરણાથી અમે ૩ બહેનોએ મળી પ્લાસ્ટિકની થેલીમાંથી ટેબલ મેટ બનાવી હતી. જેને લોકોનો સારો પ્રતિસાદ મળતા આ કામ આગળ વધાર્યું. તેમણે જણાવ્યુ કે, પર્યાવરણની જાળવણીની સાથે રોજગારી અને પેઢીગત ચાલતા વ્યાપારનો સુસંગમ સાધી અમે વણાટની કલાને નવી ઓળખ આપવા માટે આ પહેલ કરી. તેમણે કહ્યું કે, ગામ અને શાળામાં એકઠી થયેલી પ્લાસ્ટિકની થેલીઓને સ્વચ્છ કર્યા બાદ તેને નાયલોનના તાણા સાથે વણી વિવિંગ કરીએ છીએ. જેમાં વિવિધ કલરની થેલીઓ દ્વારા તેને કલરફૂલ પણ બનાવાય છે. અમે ૩ બહેનોથી શરૂ કરેલી સફરમાં આજે ૧૫૦ બહેનો રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે.
રાજીબેને કહ્યું કે, અમે થેલી એકઠી કરનાર બહેનોને ૧ કિલોના રૂ.૩૦ અને થેલી ધોઈને કાપી આપનારને રૂ.૧૫૦ ચૂકવીએ છીએ. જેથી વધુમાં વધુ બહેનો અમારી સાથે જોડાઈ અને સ્વચ્છતાની સાથે પર્યાવરણની જાળવણી માટે પણ જાગૃત બને છે. વિવિંગ દ્વારા તૈયાર થયેલા મટિરિયલમાંથી તેઓ હેન્ડબેગ્સ, ઑફિસબેગ્સ, રનર, ચશ્મા અને પાસપોર્ટના પાઉચ, ટિફિન બેગ તેમજ ટેબલ મેટ જેવી રૂ.૧૫૦થી ૩૦૦૦ સુધીની બનાવટો તૈયાર કરી વેચાણ કરે છે. જે રંગબેરંગી, ટકાઉ અને વૉશેબલ હોય છે. જેમાંથી તેઓ મહિને ૩ થી ૬ હજાર જેટલી કમાણી કરી પર્યાવરણના રક્ષણનું ઉત્તમ કાર્ય કરી રહી છે. આધુનિક સમય સાથે તાલ મિલાવવા રાજીબેન પ્રદર્શનની સાથે ઓનલાઈન વેચાણ પણ કરે છે અને દેશ વિદેશથી નવા ઓર્ડર પણ લે છે. આમ તેઓ પરંપરા અને આધુનિકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500