Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોલકાતાનાં એસ.એન. બેનર્જી રોડ પર થયેલ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ, બ્લાસ્ટ બાદ પોલીસે તપાસ હાથ ધરી

  • September 15, 2024 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મોટી દુર્ઘટના ઘટી છે. કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક રોડ પર ટ્રાફિકને રોકી દીધું અને ઘટના સ્થળને સીલ કરી દીધું છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, બ્લાસ્ટમાં એક કચરો ઉઠાવનાર વ્યક્તિ ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, ગતરોજ બપોરે 01:45 વાગ્યે તાલતલા પોલીસ સ્ટેશનને બ્લોચમેન સેન્ટ અને એસએન બેનર્જી રોડ પાસે બ્લાસ્ટની સૂચના મળી હતી.


સૂચના મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો. વ્યક્તિના જમણા કાંડામાં ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પ્લાસ્ટિકની એક બોરી રાખવામાં આવી હતી જેમાં બ્લાસ્ટ થયો છે. પોલીસે બ્લાસ્ટ વાળી જગ્યાને સીલ કરી દીધી અને વધુ તપાસ માટે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમને બોલાવવામાં આવી છે. બીડીડીએસ ટીમે સ્થળ પર હાજર બેગ અને આસપાસની વસ્તુઓની તપાસ કરી હતી. ત્યારબાદ રોડ પર વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ બાદ પોલીસે એસએન રોડ પર વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. બ્લાસ્ટમાં ઘાયલ વ્યક્તિની ઓળખ બાપી દાસ તરીકે થઈ છે, જેમની ઉંમર 58 વર્ષની હોવાની માહિતી મળી રહી છે.


વ્યક્તિએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે મારો કોઈ વ્યવસાય નથી. હું આમ-તેમ ફરતો રહું છું. તાજેતરમાં જ એસએન બેનર્જી રોડના ફૂટપાથ પર રહેવાનું શરૂ કર્યું હતુ. પોલીસે હજુ સુધી ઘાયલ વ્યક્તિનું નિવેદન નોંધ્યું નથી કારણ કે ડોક્ટરોએ દર્દીને થોડો સમય આપવાનું કહ્યું છે. બંગાળ પોલીસે વિસ્ફોટની તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવી છે. વિસ્ફોટની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરની હત્યા અને દુષ્કર્મની ઘટના બાદ જુનિયર ડોક્ટરો છેલ્લા મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બે દિવસ પહેલા આરજી કર હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. જ્યારે બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી કંઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application