દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશને વિશ્વવ્યાપી ઓળખ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીના ૨૩ વર્ષના તેમના નેતૃત્વમાં થયેલા વિકાસ કામોને જનજન સુધી પહોંચાડવાના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે તા.15મી ઓક્ટોબર, મંગળવારના રોજ દેડિયાપાડા તાલુકાની પોમલપાડા ગૃપ ગ્રામપંચાયત ખાતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તારાબેન રાઠોડની અધ્યક્ષતા અને CDPO ટીનાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં પૂર્ણા ૨.૦ યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો.
દેડિયાપાડાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી ટીનાબેન ચૌધરીએ બાળકો-કિશોરીઓના વાલીઓ સાથે શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા અંગે ચર્ચા કરીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. કાર્યક્રમ બાદ પોમલપાડા ગ્રુપ ગ્રામપંચાયત હોલ ખાતે યોજાયેલા કિશોરી મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કિશોરીઓ અને વાલીઓને પણ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તર સુધારવા માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. કિશોરીઓ શિક્ષિત અને સક્ષમ બને તથા તેઓનો સ્વવિકાસ થાય તેવા આશય સાથે પૂરક પોષણ, પૂર્ણા શક્તિના પેકેટ્સ, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓના મહત્વ વિશે સમજ પુરી પાડી હતી. સરકારશ્રીના વિવિધ વિભાગના પ્રતિનિધશ્રીઓ-કર્મચારીઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર, કિશોરીઓને લગતી વિવિધ યોજનાઓ, અધિકારો તેમજ રોજગારલક્ષી તાલીમ અંગે માહિતગાર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500